રોષ:કોરોનામાં LTCની અવેજમાં રાહત પેકેજ ન ચૂકવાતા શિક્ષકોના લાખો અટવાયા

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા શિક્ષક સંઘ દ્વારા DPEOને રજૂઆત

કોરોનાકાળને લીધે પ્રવાસમાં જઇ શકાય તેમ ન હોઇ રાજ્ય સરકારે શિક્ષકો માટે વૈકલ્પિક રાહત પેકેજ જાહેર કરી 12 ટકાથી વધુ જીએસટી દર ધરાવતી મહત્તમ 2.84 લાખના ખર્ચની સામે 43.65 ટકા પ્રમાણે રૂ.1.24 લાખ આપવાની જાહેરાત કર્યા બાદ હિંમતનગર અને પોશીના તાલુકાના 60 શિક્ષકોએ લાખો રૂપિયાનો ખર્ચ કરી દીધા બાદ મળવાપાત્ર રકમ ન ચૂકવાતા જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા ડીપીઇઓને રજૂઆત કરાઇ હતી.

જિ.પ્રા.શિ.સંઘના પ્રમુખ ગીરીશભાઇ પટેલે વિગત આપતાં જણાવ્યુ કે વર્ષ 2021 માં કોરોનાને લઇને શિક્ષકો પ્રવાસમાં જઇ શકે તેમ ન હોઇ સરકારે એલટીસીની સામે વૈકલ્પિક રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાં 7600 ગ્રેડ પે ધરાવનાર ને વ્યક્તિદીઠ રૂ.20 હજાર અને તેનાથી ઓછો ગ્રેડ પે ધરાવનારને રૂ.6000 નો રેશીયો નક્કી કરાયો હતો.

શિક્ષકનો મૂળ પગાર રૂ.50 હજાર હોય અને પરિવારના 4 સભ્યો હોય તો રજા અને સૂચિત ભાડાનુ રોકડમાં રૂપાંતર કરતાં મહત્તમ રૂ.2.84 લાખની ખરીદી કે જેમાં 12 ટકાથી વધુ જીએસટી દર હોય તેની ઉપર 1.24 લાખ મળવા પાત્ર રકમ થતી હતી. જે 43.65 ટકા જેટલી થવા જાય છે.

શિક્ષકોએ બધા નિતિ નિયમોનો અમલ કરી લાખ્ખો રૂપિયાની ખરીદી કરી બિલો વગેરે જમા પણ કરાવી દીધા છે પરંતુ એક વર્ષથી વધુ સમય વિતી જવા છતાં અને બંને શિક્ષક સંઘ દ્વારા અવાર નવાર ઉઘરાણી કરવા છતાં કચેરીના સ્ટાફે બેદરકારી દાખવી શિક્ષકોને હાલાકીમાં મૂક્યા છે જેને પગલે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. નોંધનીય છે કે અન્ય તાલુકામાં શિક્ષકોને રાહત પેકેજ વળતર મળી ગયું છે.

વિગત મેળવવામાં આવી રહી છે: અધિકારી
સાબરકાંઠા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરીએ જણાવ્યું કે આ કામગીરી તાલુકા કક્ષાએથી થાય છે રજૂઆત મળી છે બંને તાલુકામાંથી વિગતો મેળવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...