GST કૌભાંડ:તલોદના કાબોદ્રીમાં મિષ્ટાન ફૂડના સંચાલકોએ 72 કરોડની GST ચોરી કરી

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
MD હિતેશ ગૌરીશંકર પટેલ - Divya Bhaskar
MD હિતેશ ગૌરીશંકર પટેલ
  • સાડા ત્રણ વર્ષમાં રૂ.1447 કરોડના બાસમતી ચોખા વેચી વર્ષ 2017ના બે જીએસટી નોટિફિકેશન થકી જીએસટી-મુક્તિનો ગેરફાયદો ઉઠાવ્યો
  • ગાંધીનગરની સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝની ટીમોએ કંપનીના એમ.ડી. હિતેશ પટેલની ધરપકડ કરી,
  • કંપનીનું 90% વેચાણ શોપી મિષ્ટાન શોપી ઇન્ડિયાને થયું

સાડા ત્રણ વર્ષમાં પંજાબ હરિયાણા સહિતના નાના વેપારી-દલાલો પાસેથી ચોખા લઇ તેનું પોલિશીંગ, ગ્રેડીંગ વગેરે કરી અલગ અલગ વજનના પેકિંગ બનાવી 1447 કરોડના બાસમતી ચોખાનું વેચાણ કરી વર્ષ 2017 ના બે જીએસટી નોટિફિકેશન થકી જીએસટી-મુક્તિનો ગેરફાયદો ઉઠાવ્યાનું કાબોદ્રીમાં કાર્યરત મિષ્ટાન ફૂડસ પ્રા.લિ.ના સંચાલકોએ મોટુ કૌભાંડ આચર્યાની માહિતી મળતા ગાંધીનગરની સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝની ટીમોએ હાથ ધરેલ તપાસ બાદ 72.35 કરોડની જીએસટી ચોરી કરી હોવાનું બહાર આવતા કંપનીના એમડીની ધરપકડ કરાઇ હતી.

સેન્ટ્રલ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ કમિશ્નર કચેરીની ટીમો દ્વારા મિષ્ટાન ફૂડઝ લિ.ની વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતો અને એડવાન્સ એનાલિટીકસ ઇન ઇનડાયરેક્ટ ટેક્સેશનની ઉપલબ્ધ વિગતોની સ્ક્રૂટીની કરવા દરમિયાન મે. મિષ્ટાન ફૂડઝ લિ. દ્વારા બ્રાન્ડેડ રાઇસનું થઇ રહેલ આંતર રાજ્ય વેચાણ એચ.એસ.એન 1006 માં આવતુ હોવા છતાં વર્ષ 2017 માં કરવામાં આવેલ સુધારા - નોટીફીકેશન નં.02/2017 અને 28/2017 નો ખોટી રીતે ગેરફાયદો ઉઠાવી બ્રાન્ડેડ રાઇસ અને યુનિટ કન્ટેનરનો ઉપયોગ કરી જીએસટી મુક્તિ મેળવવા બહાર વેચાણ કરી ભરવા પાત્ર જીએસટી ન ભર્યો હોવાનું ધ્યાને આવતાં તપાસ હાથ ધરાઇ હતી.

જીએસટી ચોરીની શંકાસ્પદ વિગતો મળ્યા બાદ તા.19-02-21 ના રોજ કાબોદ્રી સ્થિત મિષ્ટાન ફૂડઝ લી. ફેક્ટરી અને અમદાવાદ સ્થિત કોર્પોરેટ ઓફિસમાં તપાસ હાથ ધરાઇ હતી. જેમાં બહાર આવ્યું કે કે કંપની 1 કિલોથી માંડી 60 કિલો સુધીના પેકિંગમાં વિવિધ ક્વોલીટી અને ગ્રેડના બાસમતી રાઇસનું વેચાણ જરૂરી જીએસટી ભર્યા વગર કરાઇ રહ્યું છે અને જીએસટીમાંથી મુક્તિ આપતા વર્ષ 2017 ના બંને નોટિફિકેશનનો ગેરકાયદે ફાયદો લેવાઇ રહ્યો છે. જેથી વિભાગે પેકેજીંગ મટિરિયલ સપ્લાય કરતી કલોલની બંને ફેક્ટરીમાં તપાસ હાથ ધરી કેટલા કિલોની કેટલી બેગો બનાવાઇ હતી તેની વિગતો પણ અંકે કરી હતી.

તપાસ દરમિયાન તા.12-04-21 ના રોજ કંપની દ્વારા રજૂ કરાયેલ ખરીદ-વેચાણના હિસાબોની ચકાસણી કરતા જુલાઇ-17 થી તા.28-02-21 દરમિયાન 1447.06 કરોડના બાસમતી ચોખાનું વેચાણ થયાનું બહાર આવતાં ઝીણવટભરી તપાસ કરતાં 85 થી 90 ટકા સપ્લાય મિષ્ટાન શોપી ઇન્ડિયા પ્રા.લિ.ને થઇ રહ્યાનું અને આ કંપની દેશવ્યાપી વેચાણ કરતી હોવાનુ જાણવા મળ્યુ હતું.

જીએસટી ચોરી પ્રસ્થાપિત થયા બાદ તપાસમાં બહાર આવ્યું કે વ્યક્તિ, સંસ્થા, વગેરે પાસેથી થયેલ વિવિધ ખરીદ વેચાણમાં દર્શાવેલ નામ પૈકી ઘણા ખરા મળી આવ્યા ન હતા અને કેટલીક સંસ્થા-દુકાનો બંધ થઇ ગઇ હતી અને મોટાભાગના સરનામા શંકાસ્પદ નીકળતા હિસાબો કરતાં પણ મોટી ટેક્સ ચોરી હોવાની શક્યતાઓ હોઇ કંપનીના એમ.ડી.ની પૂછપરછ જરૂરી હોઇ છેલ્લા 15 મહિનામાં 20 સમન્સ પાઠવાયા બાદ તા.19-07-22 ના રોજ કંપનીના એમડી હિતેશકુમાર પટેલને પકડી પાડતાં અને 72.35 કરોડની GST ચોરી કર્યાનું બહાર આવ્યું હતું.

લુક આઉટ નોટિસ પણ જારી કરાઇ હતી
સીજીએસટી સૂત્રોના જણાવ્યાનુસાર કાયદાની જોગવાઇ મુજબ ગાંધીનગર સીજીએસટી કમિશ્નરે તા.11-05-22 ના રોજ કંપનીના એમડી હિતેશ ગૌરીશંકર પટેલની ધરપકડનો હુકમ કર્યા બાદ અનેક પ્રયાસો છતાં થાપ આપતો રહ્યો હોવાથી અને કોઇ ભાળ મળતી ન હોવાથી લુક આઉટ સરક્યુલર જારી કરી વિદેશ ભાગી ન જાય તે અર્થે ઇમીગ્રેશન પોઇન્ટ પર જ અટકાયત કરી વિભાગને સોંપી દેવા જાણ કરાઇ હતી.

15 મહિનામાં 20 સમન્સ ઇશ્યુ કરાયા હતા
તા.03-05-22 સુધીમાં સીજીએસટી કચેરી દ્વારા હિતેશભાઇ પટેલને 15 મહિનામાં 20 સમન્સ મોકલવામાં આવ્યા હતા જેમાં તેઓ ત્રણ વખત કચેરીમાં આવ્યા હતા. તા.11-07-22 ના રોજ ફરીથી સમન્સ જારી કરી તા.19-07-22 ના રોજ હાજર રહેવા સૂચના અપાઇ હતી જેમાં હિતેશભાઇ નિવેદન આપવા હાજર થયા હતા. પરંતુ સ્ટેટમેન્ટ લેવાનું શરૂ કરતાં હિતેશભાઇએ સહકાર આપવાને બદલે ગેરવર્તન કરી સ્ટેટમેન્ટમાં સહી કરવાનુ નકારતાં તેમની ધરપકડ કરી તા.20-07-22 ના રોજ એડીશ્નલ ચીફ મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરાયા હતા.

તપાસ દરમિયાન પણ કૌભાંડ ચાલુ રાખ્યું
સીજીએસટી કચેરી દ્વારા કોર્ટમાં રજૂ થયેલ એફિડેવીટમાં જણાવાયું કે તા.21-04-22 ના રોજ કાબોદ્રી સ્થિત ફેક્ટરી સંકુલમાં અને મિષ્ટાન લોગો - ટ્રેડ માર્ક લખેલ બાસમતી રાઇસની 5787 બેગ કુલ વજન 23610 કિલોની મળી આવી હતી અને હજુ પણ કંપની જીએસટી રિટર્ન ભરતી ન હોવાનું ખૂલ્યુ હતું. જે ડિટેન્ડ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...