લોક દરબાર:હિંમતનગરના શખ્સે રૂ1.60 લાખના બદલે રૂ6.20 લાખ 8 વ્યાજખોરોને ચૂકવતાં ગુનો

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં વ્યાજખોરો વિરુદ્ધ સાબરકાંઠા એસપીનો લોક દરબાર યોજાયો
  • બે વ્યાજખોરો વ્યાજના પૈસાની અવેજમાં રિક્ષા અને પીકઅપ ડાલું પણ ઉઠાવી ગયા

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10 જાન્યુઆરીએ વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા યોજાયેલ લોક દરબાર બાદ સાબરકાંઠા એસપીની સૂચનાને પગલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 8 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જેમાં હિંમતનગરના શખ્સે 1.20 લાખ વ્યાજે લીધા હતા. જે ચૂકવવા 8 વ્યાજખોરોને 6.20 લાખ ચૂકવ્યા હોવાનું એસપી સમક્ષ જણાવ્યું હતું.

ઊંચા વ્યાજ વસૂલતા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા સાબરકાંઠા એસપી વિશાલ વાઘેલા દ્વારા મંગળવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરાયું હતું અને 10 થી વધુ લોકોએ વ્યાજખોરો મામલે રજૂઆત કરી હતી વ્યાજખોરોના ત્રાસથી વાઝ આવી ગયેલ વ્યક્તિની ફરિયાદ નોંધવા સૂચના અપાયા બાદ તરત જ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

બી ડિવિઝન પીએસઆઇ એ વી જોષીએ જણાવ્યું કે હિંમતનગર શહેરના મહેતાપુરામાં રહેતા જીવણભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજકે ત્રણેક વર્ષ અગાઉ મહાવીરનગરમાં ગાયત્રી મંદિર પાછળ રહેતા કિશનભાઇ શૈલેષભાઈ ડબગર પાસેથી 1.60 લાખ લીધા હતા. ઊંચા વ્યાજ દરના કારણે આ પૈસા પરત ચૂકવવા તેમણે ભાણાભાઈ ભાટ (રહે.ગોગાનગર કાટવાડ રોડ હિંમતનગર), નરેન્દ્રસિંહ રાઠોડ (રહે. બગીચા વિસ્તાર હિંમતનગર) સહદેવભાઈ રબારી રાજા ફાયનાન્સ (રહે.મહેતાપુરા હિંમતનગર) જીતુભાઈ ભાટ (રહે શારદા કુંજ સોસાયટી મોતીપુરા હિંમતનગર) રાકેશભાઈ રબારી (રહે. મહેતાપુરા ચોકડી હિંમતનગર) અકકુભાઈ નથુભાઈ રબારી (રહે. મહેતાપુરા હિંમતનગર) અને વિપુલભાઈ ભાટ એપીએમસી માર્કેટ બહાર ચાની કીટલી (રહે. ગોગાનગર કાટવાડ રોડ હિંમતનગર) પાસેથી અલગ અલગ સમયે ઊંચા વ્યાજ દરે પૈસા લીધા હતા.

અને વ્યાજના ચક્કરમાં ફસાઈ જઈ કુલ રૂ. 6.20 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં અવારનવાર જીવણભાઈના ઘેર જઈને અને ફોન ઉપર અપશબ્દો બોલી ધમકીઓ આપી જીતુભાઈ ભાટ જીવણભાઈ દેવીપૂજકની લોડીંગ રિક્ષા નંબર જીજે-08-એએક્સ-9551 અને વિપુલભાઈ ભાટ પીકઅપ ડાલુ નંબર જીજે-09-એયું-6766 વ્યાજના પૈસાની અવેજમાં લઈ જઈ સતત ઉઘરાણી કરી પૈસા કઢાવવા ત્રાસ ગુજારી રહ્યા હતા. જેને પગલે આઠ શખ્સો સામે મની લેન્ડર્સ એક્ટ ની જોગવાઈઓ અંતર્ગત ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...