સાબરકાંઠા ક્રાઇમ ન્યૂઝ:ઓનલાઈન વીડિયો કોલ કરી અશ્લીલ ચેષ્ટા કરતો શખ્સ ઝડપાયો; તલોદમાં લારીમાંથી ફ્રૂટ ખરીદતા ગ્રાહકનો મોબાઇલ ચોરાયો

સાબરકાંઠા (હિંમતનગર)3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓનલાઈન વીડિયો કોલ કરી અશ્લીલ ચેષ્ટા કરતો શખ્સ ઝડપાયો
સુરતનો એક શખ્સ વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમની મેસેજ તથા વીડિયો કોલ કરી અશ્લીલ ચેષ્ટાઓ કરી માનસિક વિકૃતિ પેદા થાય તેવુ કૃત્ય કરી બ્યુટી પાર્લરનો વ્યવસાય કરનાર મહિલાઓને હેરાન પરેશાન કરતો હતો. જેના વિરુદ્ધ હિંમતનગર સાયબર ક્રાઇમમાં નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે અશ્લીલ ચેષ્ટાઓ કરનાર શખ્સને સુરત ખાતેથી ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગત તા. 11મી માર્ચના રોજ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં કોઇ શખ્સ વારંવાર વોટ્સઅપ વીડિયો કોલ તથા વોટ્સઅપ મેસેજથી વારંવાર હેરાન પરેશાન કરતો હતો. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઇ. બી.પી. ડોડીયા તથા તેમની ટીમના પી.એસ.આઇ. સહિત સ્ટાફે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સના આધારે માત્ર 6 દિવસમાં વિપુલ સોજીત્રાને ઝડપી લીધો હતો અને ઓનલાઇન સાયબર સ્ટોકીંગ તેમજ સાયબર બુલીંગનો ગુનો શોંધી કાઢવામાં સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી હતી.

તલોદ પોલીસે રૂ. 55 હજારના દારૂનો જથ્થો ઝડપ્યો
તલોદ તાલુકાના મોરલડુંગરી તથા અણખોલ ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરવાની બાતમીના આધારે તલોદ પોલીસે કાર્યવાહી કરી 54 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

તલોદ પોલીસ સ્ટેશનના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, તલોદ તાલુકાના મોરાલડુંગરી ગામના રહીશ કરણસિંહ પરમાર વિદેશ દારૂનો જથ્થો લાવી અને વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળતા તલોદ પી.એસ.આઇ. જી.એસ. સ્વામી દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવી હતી. કરણસિંહ પરમારના ઘરની ચોપાળમાં સંતાડેલો વિદેશી દારૂની બોટલ નંગ 178 તથા બિયર બોટલ નંગ 22 કુલ કિંમત રૂપિયા 27,674નો મુદ્દમાલ જપ્ત કરી બુટલેગર કરણસિંહ પરમારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા એક બનાવમાં તલોદ તાલુકાના અણખોલ ગામની સીમમાં રણછોડસિંહના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને ઘઉંના વાવેતરવાળા ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 27,084નો મુદ્દામાલ ઝડપી લઇ રણછોડસિંહની પુછપરછ કરવામાં આવી હતી અને આ દારૂનો જથ્થો ઇન્દ્રસિંહ દલપતસિંહનો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે તલોદ પોલીસે ઇન્દ્રસિંહની ધરપકડ કરી પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ખેરવાડાના જગદીશ પટેલ નામના શખ્સ પાસેથી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. તલોદ પોલીસે ઈન્દ્રસિંહ દલપતસિંહ તથા રણછોડસિંહ તેમજ જગદીશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

તલોદમાં લારીમાંથી ફ્રૂટ ખરીદતા ગ્રાહકનો મોબાઇલ ચોરાયો
તલોદ શહેરમાં આવેલી જનતા સોસાયટી પાસે ઉભેલી ફ્રૂટની લારી પરથી એક ગ્રાહક ફ્રૂટની ખરીદી કરતો હતો. તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે મોબાઇલની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ તલોદ પોલીસ મથકમાં નોંધાતા તલોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તલોદ-મોડાસા રોડ પર આવેલા પંચવટી સોસાયટીમાં રહેતા હર્શલ જૈન અને તેમના પત્ની તલોદ મોડાસા રોડ પર આવેલ જનતા સોસાયટીના નાકા પાસે ઉભેલ ફ્રૂટની લારી પર ફ્રૂટ ખરીદતા હતા. તે દરમિયાન કોઇ શખ્સ તેમનો મોબાઇલ ચોરી ગયો હતો. આસપાસમાં તપાસ કરતા પણ મોબાઇલ મળી ન આવતા મોબાઇલ ચોરી થયો હોવાની જાણ થતા હર્શલ જૈને તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બેંક મેનેજર બોલું છું કહી 68 હજારની છેતરપીડી આચરી
ઇડર તાલુકાના રેવાસ ગામે રહેતા એક વ્યકિતને તેના મોબાઇલ ફોન પર બેંક મેનેજર બોલું છું. તેમ કહી ખોટી ઓળખ આપી એકાઉન્ટ સીલ કરવાની ધમકી આપ્યા બાદ મોબાઈલમાં આવતા ઓટીપીની જાણ કરી વિશ્વાસમાં લઇ બેંક ખાતામાંથી અલગ અલગ સમયે સાત વખત ટ્રાન્જેક્શન કરી ખાતામાંથી ઓનલાઇન રૂપિયા 48 હજાર તથા તેની દીકરીના ખાતામાંથી રૂપિયા 20 હજારની રકમ ટ્રાન્સફર લઇ છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા બનાવ અંગે ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, રેવાસ ગામના નરેન્દ્ર તીરગરના મોબાઇલ પર ગુરૂવારે બપોરના સુમારે બેંક મેનેજર બોલુ છું તેવી ખોટી ઓળખાણ આપી તમારૂ એકાઉન્ટ સીલ કરવામાં આવ્યું છે. જો એકાઉન્ટ ચાલુ રાખવુ હોય તો તમારા મોબાઇલમાં આવતા ઓટીપીના મેસેજ મને આપો તેમ કહી વિશ્વાસમાં લઇ નરેન્દ્રભાઇની જાણ બહાર તેમના બેંક ખાતામાંથી અલગ અલગ સાત વખત ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી રૂપિયા 48 હજારની તેના એકાઉન્ટમાંથી તેમજ તેની દીકરીના બેંક એકાઉન્ટમાંથી પણ રૂપિયા 20 હજાર મળી કુલ 68 હજારની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. જેની જાણ થતા નરેન્દ્રભાઇએ ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...