એક ખેડૂતે એક ગધેડો પાળ્યો હતો. પરંતુ આ ગધેડો ખેડૂતને બિલકુલ પસંદ ન હતો એકવાર તો એણે નક્કી કરી લીધું કે આ ગધેડાને વેચી જ નાખવો છે. વહેલી સવારે ધર્મ પત્નીને જણાવ્યા વિના એ ગધેડાને લઈને વેચવા માટે ગુજરી બજારમાં પહોંચી ગયો સાંજે ઘરે આવીને ઘરમાં દાખલ થતાંજ એ નાચવા કૂદવા લાગ્યો તાલીઓના તાલે ગરબે ઘૂમવા લાગ્યો પત્નીએ પૂછ્યું કે કેમ આજે આટલા બધા આનંદમાં છો અને આજે સવારથી ક્યાં ચાલ્યા ગયા હતાં! તેણે કહ્યું અરે ગાંડી! આજે તો હું બહુ ખુશ છું. કારણ કે જે ગધેડો મને જરાય પસંદ ન હતો તેના કાર્યથી મને જરાય સંતોષ ન હતો તે ગધેડા ની આજે વેચીને આવું છું. પત્નીએ કહ્યું શું વાત કરો છો! કેટલામાં વેચ્યો? તું કલ્પના પણ ન કરી શકે એવી કિંમત ઉપજી છે.
આપણા એ ગધેડાની હરાજીમાં બોલી બોલનારો ઘણો સારો હતો એણે આપણા ગધેડાના એટલા બધા વખાણ કર્યા કે લોકો ખરીદી કરવા પડા-પડી કરવા લાગ્યા પણ એ તો કહો કે કેટલા રૂપિયા આવ્યાં? તને એ જ કહું છું તું થોડી ધીરજ રાખ બોલીની શરૂઆત 500 રૂપિયાથી જ થઈ હતી પણ પછી હરાજીમાં બોલી બોલનારે કહ્યું કે આ ગધેડો ઘણો તંદુરસ્ત છે ગમે તેટલું કામ કરાવો તો પણ થાકતો નથી.
આ પ્રશંસા સાંભળીને લોકો આગળ આગળ બોલીની રકમ વધારતા ગયા ગધેડાની એક એક ખાસિયત કહેતો ગયો અને લોકો ઊંચી કિંમત બોલતા ગયા પત્નીએ પૂછ્યું તો પછી આપણા ગધેડાના 3- 4 હજાર તો ઉપજ્યાં હશે ને? પતિએ કહ્યું એનાથી વધારે પૂરા 5 હજાર ઉપજ્યા છે. પત્નીએ પૂછ્યું, આટલી મોટી રકમ આપીને આપણા એ ગધેડાને કોણે વેચાતો લીધો? ખેડૂત જવાબ આપે એ પહેલા જ દરવાજા બહાર ગધેડો ભુંકવા લાગ્યો પેલી બાઈ ગધેડાનો અવાજ ઓળખી ગઈ.
બહાર જઈને જોયુંતો ખબર પડી કે ખેડૂત પોતેજ પોતાના ગધેડાના વધુ વખાણ સાંભળીને ખરીદી લાવ્યો હતો. આપણે પણ આ ખેડૂત જેવા જ છીએ, આપણું પોતાનું આપણી પાસે જે કંઈ પણ છે એની પ્રશંસા- વખાણ જ્યાં સુધી બીજા કોઈ પાસે ન સંભળાય ત્યાં સુધી આપણને તેની કિંમત સમજાતી નથી. મારા ની કિંમત મને છે! સુખનો સંબંધ સમય કે સામગ્રી સાથે જેટલો નથી એટલો આપણી સમજ સાથે છે. માણસની ખાસિયત એ છે કે તેને પોતાને મળેલી ચીજો સુખ સગવડના સાધનો- સામગ્રીઓ હરહંમેશ ઓછી અને અધૂરી લાગતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.