હિંમતનગરમાં રાત્રીએ પતંગ બજાર જામ્યો:મહાવીરનગર, ટાવર ચોકમાં પતંગ રસિયાઓ ઉમટ્યા; સાથો સાથ ફુગ્ગાનું બજાર પણ જામ્યું

સાબરકાંઠા (હિંમતનગર)16 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમિત્તે પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે શુક્રવારે પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, વડાલી અને પ્રાંતિજના વિસ્તારોમાં છેલ્લી ઘડીએ પતંગની ખરીદી માટે પતંગ રસિયાઓ ઉમટી પડ્યા હતા.

ઉત્તરાયણ પૂર્વે હિંમતનગરના ટાવર ચોકમાં નવા બજારમાં પતંગ અને દોરીની ખરીદી માટે ભારે ભીડ જામી હતી. ત્યારબાદ રાત્રે મહાવીરનગર વિસ્તારમાં પતંગ બજાર જામ્યું હતું. એક તરફ ટ્રાફિક જામ થયો હતો, તો બીજી તરફ ગાયત્રી મંદિર રોડ પતંગની દુકાનમાં પતંગ અને દોરીની ખરીદીની ભીડ લાગી હતી. કેનાલ ફ્રન્ટ રોડ પર ફુગ્ગા સહીત વિવિધ અવાજ કરતા ભૂંગળાની વેરાઈટીઓ અવાજ કરી મુક્યો હતો. શહેરીજનોએ પતંગ, દોરી, ફુગ્ગા અને ફરસાણની ખરીદી કરવાનું ચુક્યા ન હતા. ખેડ તસીયા રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા.

ઈડર શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈ રંગબેરંગી પતંગોથી બજારો ધમધમી ઉઠ્યા હતા. ત્યારે શનિવારના રોજ ઉત્તરાયણ પર્વને લઈ પતંગ રસિકો છેલ્લા એક સપ્તાહ પહેલા આયોજનમાં લાગી જાય છે. ત્યારે ઈડર શહેરના બજારોમાં છેલ્લા કેટલાક દિવસો પહેલાથી વેપારી દ્વારા શહેરના બજારોમાં રોડપર પતંગના સ્ટોલ ઉભા કરી દે છે. ચાર દિવસ અગાઉથી પતંગ રસિયાઓ પોતાની મનપસંદ દોરી ખરીદી તેને પીવડાવે છે અને ઉત્તરાયણ પર્વના દિવસે વહેલી સવારથી પતંગ રસિકો ધાબાપર જઈ પતંગ ચગાવવાની મજા માણે છે. ત્યારે ઉત્તરાયણ પર્વના એક દિવસ પહેલા શુક્રવારના રોજ શહેરના બજારોમાં રંગબેરંગી પતંગ અને દોરીની ખરીદી માટે પતંગ બાજો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઈડર શહેરના બજારો રંગબેરંગી પતંગો, દોરી, વગાડવાના ભૂંગડાઓ, મમરાના લાડુ અને તલ ચીક્કીથી ધમધમી ઉઠ્યા હતા. શહેરના બજારોમાં પતંગ ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી.

ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રાંતિજ બજાર ભીડથી ઉભરાયું હતું. પ્રાંતિજ બજારમાં સવારથીજ ભીડ જોવા મળી હતી. પ્રાંતિજ બજારમાં ઠેર ઠેર પતંગની દુકાનો જોવા મળતા પતંગ, દોરી, માસ્ક, ચશ્મા, ચીક્કી લેવા માટે આજુ બાજુના ગામડાઓમાંથી બજાર અર્થે પ્રજાજનોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો.

ખેડબ્રહ્મા શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે આસપાસના ગામડાઓમાંથી લોકો ખરીદી માટે આવી પહોંચતા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. ઉત્તરાયણના દિવસે આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવીને નાના-મોટા સૌ ઉત્તરાયણ પર્વની મજા માણવાના છે. ત્યારે કોરોના મહામારી બાદ આ વખતે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે લોકોમાં ભારે આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...