સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગરના રામબાગ સોસાયટીમાં આવેલ લીમ્બચ માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે શુક્રવારથી લીમ્બચ માતાજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ચાર તાલુકામાં 10 દિવસમાં સમાજના 52 ગામોમાં ફરશે અને પૂર્ણ માતાજીના મંદિરે થશે.
લીમ્બચ માતાજીના મંદિરની રજત જયંતીની ઉજવણી
હિંમતનગરના લીમ્બચ માતાજીના મંદિરને રજત જયંતીની ઉજવણીએ હિંમતનગર અડાઠમ જથ નાયી સમાજના દ્વારા માતાજીની રાત્રયાત્રાનો શ્રાવણ માસના પ્રારંભે વાજતે-ગાજતે ડીજે સાથે સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. તો હિંમતનગરમાં સમાજના ઘરે-ઘરે યાત્રા ફરીને નવા ગામે પહોચી હતી. જ્યાં માતાજીની ફોટો પ્રતિમા અને ચરણ પાદુકાને ઢોલ નગારા સાથે અબીલ ગુલાલની સાથે ઘરમાં પધરામણી કરી હતી. ત્યારબાદ પૂજન અર્ચન કરી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરીને પરત રથમાં માતાજીની ચરણ પાદુકાને માતાજીના નાદ સાથે બિરાજમાન કરાઈ હતી.
11માં દિવસે યાત્રા હિંમતનગરના લીમ્બચ માતાજીના મંદિરે પરત ફરશે
આ અંગે હિમતનગર અડાઠમ જથ નાયી સમાજના પ્રમુખ ભીખાભાઈ નાયી, સમાજના અગ્રણી વસંતભાઈ નાયીએ જણાવ્યું હતું કે, હિમતનગરમાં લીમ્બચ માતાજીના મંદિરએ 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતીની ઉજવણીએ માતાજીની રથયાત્રા શ્રાવણ માસના પ્રારંભથી શરૂ કરી છે. હિંમતનગર તાલુકામાં 40 ગામ, તલોદ તાલુકામાં 4, પ્રાંતિજ તાલુકામાં 5 ગામ અને મોડાસા તાલુકામાં ત્રણ ગામ મળી ચાર તાલુકામાં 52 ગામોમાં અંદાજીત 10 હજાર વસ્તી ધરાવતા 1000 હજાર ઘરે 10 દિવસ સુધી ફરશે. રથયાત્રા દિવસના પાંચ ગામ ફરી રોકાણ કરતા-કરતા પ્રસ્થાન કરશે. તો 11માં દિવસે યાત્રા હિંમતનગરના લીમ્બચ માતાજીના મંદિરે પરત ફરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.