ભાદરવી પૂનમનો મેળો:ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરે લાખો ભક્તોએ દર્શન કર્યા, માનતાની નેજા સાથે મંદિરની પ્રદક્ષિણા કરી

સાબરકાંઠા (હિંમતનગર)24 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજીના મંદિરમાં ભાદરવા મેળાના સાત દિવસ દરમિયાન 10 લાખથી વધુ ભક્તોએ અંબિકા માતાજીના દર્શન કર્યા છે. તો 500થી વધુ સંઘો માતાજીના મંદિરે આવ્યા હતા. ત્યારે લાખોની સંખ્યામાં માતાજીના મંદિરના શિખર ઓઅર માનતાની નેજા ચઢાવી હતી. તેવી અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું.

'બોલ મારી અંબે...જય જય અંબે'ના નાદ સાથે હિંમતનગરથી ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માથી અંબાજીના માર્ગો પર ભાદરવા મહિનામાં 20 દિવસથી રાજ્યભરમાંથી પગપાળા પદયાત્રીઓ મા અંબાના દર્શને જાય છે. ભક્તો માનતાની નેજા સાથે સંઘો રથ અને નેજા સાથે પગપાળા નીકળે છે. ત્યારે તેમની સેવામાં સાબરકાંઠા જીલ્લાના તંત્ર દ્વારા મેડીકલ કેમ્પ સહિતની સુવિધાઓ તો વિવિધ સામાજિક અને સેવાકીય સંગઠનો અને યુવાઓ દ્વારા ચા-નાસ્તા, જમવાના અને આરામ કરવા માટેના કેમ્પોનું આયોજન કર્યું હતું.

રાજ્યભરમાંથી પગપાળા અંબાજી જતા પહેલા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં માતાજીના દર્શન કરવાનું ચુકતા નથી. તો ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા સાત દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. માતાજીના મંદિર આસપાસ મેળાના સ્ટોલ પર ભક્તોનું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. અંબાજી જતા સંઘો અને પદયાત્રીઓ ખેડબ્રહ્મા અંબિકા માતાજીના દર્શન કર્યા બાદ જ અંબાજી તરફ પ્રયાણ કરે છે. ત્યારે મેળામાં ભક્તો, દર્શનાથીઓ અને સંઘો પણ આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ખેડબ્રહ્મામાં માતાજી કમળ પર સવાર છે તેમના દર્શન માટે સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. તો પગપાળા પદયાત્રીઓએ માનતાની નેજા સાથે માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરી હતી અને દર્શન કર્યા બાદ માતાજીના મંદિરના શિખર પર નેજા ચઢાવી હતી. તો 500થી વધુ સંઘોએ માતાજીના ચાચર ચોકમાં આવ્યા હતા.

આમ ભાદરવી પૂનમે વહેલી સવારથી માતાજીના દર્શન માટે માતાજીના ચાચર ચોકમાં ભક્તોની ભીડ જામી હતી. તો ચોકમાં નેજાઓ સાથે ભક્તો જોવા મળ્યા હતા અને ચારે તરફ શરણાઈના સુર સાથે બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સંભળાઈ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...