રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને હડીયોલ ગામમાં સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય સુવિધાઓના અભાવે દર્દીઓને ખુબજ હાલાકી સાથે ખાનગી લેબોરેટરીમાં વિવિધ લેબ. પરીક્ષણ માટે વધારાનો ખર્ચ કરવો પડે છે. જે અંગે હિંમતનગરના જાગૃત નાગરિક દ્વારા અરજી કરી સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને સુવિધા આપવા આવે તેવી માગ કરી છે.
આ અંગે અરજીમાં જણાવ્યું છે કે, સિવિલ હોસ્પીટલમાં છેલ્લા આઠ મહિનાથી સીટી સ્કેન ધૂળ ખાઈ રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચ કરીને વસાવવામાં આવેલું મશીન બંધ હાલતમાં જોવા મળે છે. જેના કારણે સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં સીટી સ્કેન કરાવવા જવું પડે છે. જેને કારણે ગરીબ દર્દીઓને વધારાનો ખર્ચ કરવો પડે છે. હડીયોલથી ખાનગી વાહનમાં બેસીને બસ સ્ટેશન પાસે આવેલા ખાનગી સીટી સ્કેન સેન્ટરોમાં જવું પડે છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ તથા તાત્કાલિક સારવાર જરુર હોય તેવા દર્દીઓને પણ સીટી સ્કેનના અભાવે અમદાવાદ જવું પડે છે.
સરકારે કરોડોના ખર્ચે સિવિલ હોસ્પિટલ બનાવી છે પણ યોગ્ય જાળવણીના અભાવે હાલ તો દર્દીઓ અને તેમના સગા સંબધીઓને ખુબજ મુશ્કેલી પડે છે. આ ઉપરાંત સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને નિશુલ્ક દવાઓ આપવાની હોય છે, પરંતુ દવાઓનો સ્ટોક પણ ખૂટી પડતા મોટાભાગની દવાઓ દર્દીઓના સગાઓને બહારના મેડીકલ સ્ટોરમાંથી ખરીદવી પડે છે. જેણા કારણે ગરીબ લાભાર્થી દર્દીઓને દવા તેમજ સારવારથી વંચિત રહેવું પડે છે. મોટાભાગના નગરપાલિકા વિભાગના બીપીએલ કાર્ડ ધારકોને કોઈ લાભ મળી શકતો નથી. ત્યારે મુખ્યમંત્રી દ્વારા ગરીબ દર્દીઓના હિતમાં ઝડપથી નિર્ણય લેવામાં આવે અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન, અન્ય લેબ પરીક્ષણ તેમજ દવાઓ નિયમિત રીતે મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માગ કરી છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલ કરોડોના ખર્ચે બનાવેલી છે. જ્યાં 15 ઓગષ્ટ 2022 બાદ સીટી સ્કેન મશીન બંધ થઇ ગયું છે. આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આશિષ કટાકરે નવીન સીટીસ્કેન મશીન માટે 15 દિવસ પહેલા લેખિત હેડ ઓફિસમાં જાણ કરી હોવાનું જણાવ્યું હતું. તો કરોડોના ખર્ચનું સીટીસ્કેન મશીનમાં ખામી સર્જાતા સેવા બંધ થયા બાદ શરુ કરવા માટે કંપનીના એન્જિનીયરો 25થી વધુ વખત આવ્યા છે અને 25થી વધુ વખત પાર્ટ્સ બદલ્યા છે. તેમ છતાં પરિણામ હજુ મળ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.