કાર્યવાહી:હિંમતનગર શહેરના અપહૃત યુવકને પોલીસે છોડાવ્યો, મુખ્ય આરોપી ઝબ્બે, 16 સામે ગુનો

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂની અદાવત રાખી ઢોરમાર મારી ઘરમાંથી ખેંચીને ઉઠાવી ગયા હતા
  • મહેતાપુરામાંથી​​​​​​​ મારઝૂડ કરી ગાડીમાં શખ્સો અપહરણ કરી ગયા હતા

હિંમતનગરના મહેતાપુરામાંથી મારઝૂડ કરીને ત્રણ ગાડીમાં આવેલ શખ્સો અપહરણ કરી લઇ જવાના કિસ્સામાં એલસીબી, બી ડિવિઝન અને નેત્રમની ટીમોએ અપહૃત યુવકને છોડાવી મુખ્ય આરોપીને ઝડપ્યો હતો. બી. ડિવિ. પીએસઆઇના જણાવ્યાનુસાર મુખ્ય આરોપી વિરુદ્વ રાયોટિંગ, છેતરપિંડી વગેરે સહિતના અગાઉ આઠ જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે.

ચારેક દિવસ અગાઉ મહેતાપુરામાં રામજીમંદિર પાછળ ખારવાવાસમાં રહેતા કિશોરભાઇ મોટાજી ખારવાને તેના ઘેરથી બ્રહ્માણીનગરમાં રહેતા ચંદ્રપાલસિંહ ઉર્ફે ચંદુ મનહરસિંહ ભાટી અને અન્ય 15 જેટલા શખ્સોએ અગાઉ થયેલ બોલાચાલીની અદાવત રાખી ત્રણ વાહનોમાં લાકડીઓ, ધોકા લઇ આવી ઘરના દરવાજા તોડી કિશોરભાઇને ઢોર માર માર્યો હતો અને ખેંચીને ઘરની બહાર લાવી કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. જેના ઘેરા પ્રત્યાઘાત પડતા પોલીસ હરકતમાં આવી હતી.

બી ડિવિઝન પીએસઆઇ એ.વી. જોષીએ જણાવ્યું કે એલસીબી અને નેત્રમની ટીમો તથા જાદર પોલીસની ટીમના સહયોગથી તપાસ હાથ ધરી લોકેશન મેળવ્યા બાદ હિંમતનગર ઇડર રોડ પર દરામલી નજીકથી ચંદ્રપાલસિંહ ભાટીને ઝડપી પાડી કિશોરભાઇ મોટાજી ખારવાને મુક્ત કરાવાયો હતો. તેમણે ઉમેર્યું કે ચાર ટીમોએ ત્વરીત કાર્યવાહી કરતા મુખ્ય આરોપીને પકડી લેવાયો છે અને અપહરણનો ભોગ બનનારને છોડાવવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...