જવાનની વીર શહિદ યાત્રા:તલોદના જગતપુર ગામના જવાનનું અલ્હાબાદમાં આકસ્મિક નિધન; પાર્થિવ દેહની વતનમાં 'ગાર્ડ ઓફ ઓનર' સાથે અંતિમવિધિ કરાઈ

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

અલ્હાબાદમાં તલોદના જગતપુર ગામના જવાનનું આકસ્મિક નિધન થયું હતું. જેના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓ જોડાયા હતા. વીર શહીદ યાત્રા દેશભક્તિના ગીતો સાથે અને 'ભારત માતા કી જય'ના નારા સાથે જગતપુર પહોંચી હતી. આ યાત્રામાં સ્થાનિક ધારાસભ્ય સહિત અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

વીરશહીદ યાત્રા વતન જગતપુરા જવા નીકળી
આ અંગેની વિગત એવી છે કે, તલોદના જગતપુર ગામના તાલુકા પંચાયતના સદસ્ય અને ગામના રહીશ વક્તુસિંહ સોલંકીનો 34 વર્ષીય પુત્ર બહેચરસિંહ વક્તુસિંહ સોલંકી આર્મીમાં ફરજ બજાવતો હતો. તાજેતરમાં બેચરસિંહની બદલી 504 એસી બટાલિયન અલ્હાબાદ ખાતે થઇ હતી. જેમાં પ્રયાગરાજમાં ફરજ દરમિયાન તેમનું આકસ્મિક અવસાન થયું હતું તો, પત્નીએ પતિ અને બાળકે પિતાની છાયા ગુમાવી છે. તો ચાર બહેનોએ પોતાનો વ્હાલો ભાઈ ગુમાવ્યો છે. ત્યારબાદ જગતપુરાના જવાનના પાર્થિવ દેહને તલોદ લાવવામાં આવ્યો હતો. જ્યાંથી વીર શહીદ યાત્રા વતન જગતપુરા જવા નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં તલોદ વાસીઓ, ગ્રામજનો જોડાયા હતાં.

જવાનના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી
વીર શહીદ યાત્રા દેશભક્તિના ગીતો સાથે અને 'ભારત માતા કી જય'ના નારા સાથે જગતપુર પહોંચી હતી. આ યાત્રામાં સ્થાનિક ધારાસભ્ય અને અન્ન અને પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભગવતસિંહ ઝાલા, મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ, તલોદ તાલુકા સંગઠનના હોદ્દેદારો, પાલિકાના સદસ્યો, તાલુકા અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહીને જવાનના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પાર્થિવ દેહને 'ગાર્ડ ઓફ ઓનર' આપ્યા બાદ તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...