છેલ્લા 4 માસથી લાંબા ઇન્તેજાર બાદ રેલવે દ્વારા સામાન્યજનને મોટી રાહત આપતા બહુ પ્રતિક્ષિત લાંબા અંતરની જયપુર-અસારવા કોટા-અસારવા અને ઈન્દોર-અસારવા ત્રણ ત્રણ નવી ટ્રેન શુક્ર અને શનિવાર દરમિયાન શરૂ કરાતાં હોળીમાં મોટી રાહત અપાઈ છે નોંધનીય છે કે નવી ટ્રેનોની જાહેરાત બાદ પણ શરૂ ન કરતાં લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો હતો અને સાબરકાંઠા અરવલ્લી ઠીક પરંતુ રાજસ્થાનમાં નવી ટ્રેનો શરૂ કરવા એક પ્રકારે સતત ઝુંબેશ ચાલી રહી હતી અને દિવ્યભાસ્કર દ્વારા પણ નિયમિત અંતરાલે રેલવેનું ધ્યાન દોરવામાં આવી રહ્યું હતું.
રેલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આગામી મે માસ સુધીમાં નિયમિત સ્ટાફ મૂકાશે. હોળીના તહેવાર દરમિયાન રેલ્વે દ્વારા ઇન્દોર થી ઉદયપુર સિટી સુધી આવી રહેલ વીરભૂમિ એક્સપ્રેસને એક્સટેન્ડ કરીને વાયા ડુંગરપુર હિંમતનગર અસારવા સુધી લંબાવાઇ છે જ્યારે જયપુર વાયા અજમેર ભીલવાડા ઉદયપુર હિંમતનગર અસારવા એમ નવી બે સુપરફાસ્ટ ટ્રેન પ્રતિદિન ચલાવાશે.
જ્યારે કોચિંગ સિટી તરીકે પ્રખ્યાત કોટાથી વાયા બુંદી ઉદયપુર ડુંગરપુર હિંમતનગર અસારવા ટ્રેન સપ્તાહમાં બે દિવસ ચલાવાશે.હિંમતનગરમાં શનિવારથી નવી ટ્રેનોનું આવાગમન શરૂ થયા બાદ કુલ 6 ટ્રેનની અવર જવર થશે અને ચાર જેટલી વધુ રેલસેવાઓ પાઇપ લાઈનમાં છે. વેસ્ટર્ન ડીઆરએમની વિઝિટમાં રજૂ થયેલ ડ્રાફ્ટ પ્લાનમાં પણ આમૂલ પરિવર્તન કરાયાનું જાણવા મળી રહ્યું છે. રેલવેમાં અચાનક થઈ રહેલ હકારાત્મક કામગીરીમાં પ્રફુલભાઈ પટેલના પ્રયાસો કામ આવી રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે.
જયપુર ઉદયપુર હિંમતનગર અસારવા સ્પેશ્યલ ટ્રેનનો શુક્રવારે ઉદયપુર સાંસદ, બાસવાડા સાંસદ, ચિત્તોડગઢ સાંસદ અને ભીલવાડા સાંસદની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવાયો હતો. જ્યારે તા. 4-3-23 ના રોજ સવારે 7:30 કલાકે ઇન્દોર ઉદયપુર હિંમતનગર અસારવા સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ કરાશે. તા.3-3-23ના રોજ ઓમ બિરલા દ્વારા સાંજે 7:45 કલાકે કોટા ઉદયપુર હિંમતનગર અસારવા સ્પેશ્યલ ટ્રેનને ફલેગ ઓફ કરી નવી રેલ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટ્રેન આજે સવારે 4 વાગે હિંમતનગર અને 6:00 કલાકે અસારવા પહોંચશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.