હિંમતનગર તાલુકા પંચાયતની સોમવારે યોજાયેલ સામાન્ય સભામાં ગ્રામ વિકાસ અધિકારી દ્વારા રૂ. 17.25 કરોડના વિકાસ કામોને ખોરંભે પાડવા મામલે અને છેલ્લા 4 વર્ષમાં ફાળવેલ રાહતના પ્લોટની લાભાર્થી, સ્થાનિક સદસ્ય, તલાટી અને ટીડીઓની હાજરીમાં સ્થળ ચકાસણી કરાવવાનું ઠરાવાયું હતું. તદુપરાંત માલીવાડ પંચાયત વિસ્તારની બોગસ સણંદોનો મામલો પણ ઉછળ્યો હતો.
તા.પં.ના સભાખંડમાં તા. 02-01-23 ના રોજ બપોરે તા.પં. પ્રમુખ વિનોદ પટેલ અને ટીડીઓ પિયુષસિંહ સિસોદિયાની હાજરીમાં યોજાયેલ સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી અનુસંધાને સભ્યોને માહિતી આપી બહાલી અપાઇ હતી તથા 15 માં નાણાપંચના મનરેગાના 17.25 કરોડના સીસી રોડ બ્લોક ગરનાળા કેટલફીડ સહિતના વિકાસ કામોની તૈયાર કરીને મોકલેલ દરખાસ્તોને ગ્રામ વિકાસ અધિકારીએ વહીવટી મંજૂરી ન આપતાં ખોરંભે પડ્યાની સદસ્યોને જાણ કરી ચર્ચા કરાઇ હતી અને આ વિકાસ કામો માટે ફરીથી રજૂઆત કરી યોગ્ય પગલાં લેવાય એ માટે નિર્ણય કરાયો હતો.
ઉપરાંત રાહતના પ્લોટની ફાળવણીમાં કેટલાક લાભાર્થીને કાગળ પર પ્લોટ મળી ગયા હોવાની પરંતુ સ્થળ પર પ્લોટ ન હોવાનું અથવા તો વપરાશ યોગ્ય ન હોવાનો મુદ્દો બહાર આવતા વર્ષ 2018 થી કેટલા લાભાર્થીને રાહતના પ્લોટની ફાળવણી થઈ તેની યાદી બનાવી જે તે તાલુકા પંચાયત સદસ્ય સ્થાનિક તલાટી અરજદાર લાભાર્થી અને ટીડીઓની હાજરીમાં સ્થળ ચકાસણી કરવાનો નિર્ણય લેવાયો હતો. ગત એપ્રિલ મે માસ દરમિયાન માલીવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદે કબજેદારોને નોટિસ અપાયા બાદ તેમના દ્વારા રજૂ થયેલ માલિકીના પુરાવાઓનો તા.પં.માં કોઈ આધાર ન હોવાનું જણાવતા સદસ્યોએ વહીવટદાર થકી સરકારી જમીન ખુલ્લી કરાવવા માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.