ધર્મ બોધ:સંતના પ્રેરણાત્મક શબ્દો અજ્ઞાનના આવરણને ઓગાળે છે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં મુનિ શ્રી જ્ઞાનોદય વિજયજી અને મુનિ શ્રી પંચામૃત વિજયજીનું પ્રવચન

એક ગામમાં એક વ્યક્તિ ઘણા ગધેડાઓનો માલિક હતો. તેનો એક ગધેડો માલિકના ઘરેથી નીકળીને ચાલતાં- ચાલતાં ગામની ભાગોળે પહોંચી ગયો. ગધેડો સ્વભાવથી કૂતુહલ વૃત્તિવાળો હતો. ચારેબાજુ ભટકવાના ઇરાદે ગધેડો ગામના પાદરે એક નાનો કૂવો હતો ત્યાં પહોંચી ગયો. કૂવામાં પાણી જરાય ન હતું અને લોકો ખાલી કૂવામાં કચરો ફેકતા હતા. પેલો ગધેડો નીચે જોયા વિના ઊંધું ઘાલીને ચાલ્યે જ જતો હતો તેથી તે કૂવામાં પડી ગયો. બહાર નીકળવા માટે મોટા અવાજે ભોંકવા લાગ્યો.

કોઈએ ગધેડાના માલિકને સમાચાર આપ્યા કે તમારો ગધેડો ગામના પાદરે કૂવામાં પડી ગયો છે. માલિક તો સમાચાર મળતાં જ મનમાં મલકાયો, આમ પણ આ ગધેડો એને બોજારૂપ લાગતો હતો કેમકે ઉંમરને કારણે એ કોઈ કામ કરી શકતો ન હતો. માલિકે પોતાનો સ્વાર્થ વિચાર્યો, ગધેડાને કૂવામાંથી બહાર કાઢીશ તો તેને જીવનભર સાચવવો પડશે. ચારા- પાણી આપવા પડશે એના કરતાં આ સરસ તક મળી છે. કૂવામાં માટી નાખીને કૂવાને જ પૂરી દઉં એટલે ગધેડો પણ દટાઈ જશે. ગધેડાને દફનાવાના ઇરાદે માલિક કૂવા પાસે પહોંચ્યો અને કૂવામાં રહેલા ગધેડા સામે જોયું.

ગધેડો મનમાં મલકાયો અને ભોંકવાનું બંધ કર્યું તેને એમ લાગ્યું કે મારો માલિક મને બચાવવા આવ્યો છે. થોડીવારમાં માલિકે ઉપરથી કૂવા તરફ માટી નાખવાની શરૂઆત કરી, એટલે માલિકનો ઇરાદો ગધેડાને સમજાઈ ગયો. આપણે રહ્યાં વધારાના એટલે જીવતા જ દટાઈ જવાનું. ગધેડાએ કોઈપણ જાતનો વિરોધ કર્યો નહીં અને સાથેતે ડર્યો પણ નહીં. એણે એક સાવનવો નુસખો અજમાવ્યો.

ગધેડો પોતાના આખા શરીર ઉપર પડેલી માટીને તુરંત સંખેરી નાખે, એટલે કૂવામાં પડતી માટી નીચે જતી રહે પછી એ જમીન ઉપર પોતે પાછો ઉભો થઈ જાય, ધીમે-ધીમે કૂવો પુરાવા લાગ્યો અને ગધેડો પણ ઉપર આવવા લાગ્યો. માલિક તો એમજ સમજીને માટીનું પુરાણ કરતો હતો કે ગધેડાની ઉપર નાખેલી આ માટી નીચે દબાઈને ગધેડો મળી ગયો હશે. પણ ગધેડો હિંમતભેર માટીને ખંખેરી નાખીને હાર સ્વીકાર્યા વિના ઉપર આવવા માટે પ્રયત્નશીલ હતો. આખરે ગધેડાની મહેનત રંગ લાવીખરી, કૂવામાં ઘણીબધી માટી પુરાવાથી કૂવો જમીન લેવલથી નજીક આવી ગયો.

છેલ્લે ગધેડાએ 2 ફૂટની છલાંગ લગાવી દીધી અને કૂવાની બહાર નીકળી ગયો, આબાદ બચી ગયો. માલિકની આંખો પહોળી થઈ ગઈ, તે વિચારવા લાગ્યો આવી હિંમત- સાહસ ગધેડામાં કેવી રીતે આવી? પહોળી આંખ કરીને માલિક ગધેડાની સામે જોઈ જ રહ્યો છે. ઈર્ષા થી બળી રહેલા લોકો જ્યારે તમને નુકસાન કરવાના ભાવથી તમારા વિશે એલફેલ બોલે તમને નીચે પાડવાના પ્રયાસો કરે ત્યારે તેઓની સાથે લડવાના બદલે તમારા પર નાખેલા આ શબ્દોને ખંખેરીને આવેશ અને આપત્તિ માંથી બહાર નીકળી જાઓ. જીવમાત્રનાં કલ્યાણ અને સુખની ભાવનાથી જેમનું હૃદય છલકાયું રહ્યું હોય એવા કોઈ સંતના પ્રેરણાત્મક શબ્દો માત્ર આ જનમમાં નહીં જનમો જનમનાં અજ્ઞાનના આવરણને ઓગાળી નાખે છે.

અન્ય સમાચારો પણ છે...