શુક્રવારે પ્રધાનમંત્રીની રાજ્યમાં મુલાકાત દરમિયાન ટ્રાન્સ્પોર્ટેશનને પહોંચી વળવા હિંમતનગર ડિવિઝનની 250 બસની ફાળવણી કરતાં 8 ડેપોના 40 ટકા રૂટ બંધ રાખવા પડતા ગુરૂવાર સવારથી જ મુસાફરો રઝળી પડતા હાલાકીમાં મૂકાયા હતા છાશવારે એસ.ટી.બસોને રાજકીય જલસાઓમાં મોકલી અપાતાં ખાનગી શટલીયાવાળાઓ પણ મનફાવે તેવી લૂંટ ચલાવે છે.
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ટાણે શ્રોતા ટેકેદારો કાર્યકરોને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડવા હજારો વાહનોની વ્યવસ્થા કરાઇ છે. જેમાં હિંમતનગર ડિવિઝનની એસટી બસોની પણ ફાળવણી કરાતાં મુસાફર જનતા માટે હાલાકી સર્જાઇ છે. એસટી બસોની ઉપલબ્ધતા ન હોવાની વાતથી અજાણ એસટી ડેપો પર પહોંચેલ મુસાફરોને રઝળવાનો વારો આવ્યો હતો અને ભારે હાલાકીનો ભોગ બન્યા હતા.
પરેશભાઇ અસારીએ જણાવ્યુ કે હિંમતનગર એસટી ડેપો પર ઉતર્યા પછી ખબર પડી કે કેટલાક રૂટ કેન્સલ થયા છે અને અમદાવાદ જવા માટે હજુ અડધો કલાકની રાહ જોવી પડશે. અન્ય એક મુસાફરે જણાવ્યુ કે પૂછપરછ બારી ઉપર સંતોષકારક જવાબ મળતો નથી. જ્યારે રમણીકભાઇ મહેતાએ જણાવ્યુ કે અમદુપુરા સુધી લઇ જતા ખાનગી વાહનો પણ આજે 20 રૂ. વધારે માંગી રહ્યા છે અને અહી બસની ફીકવન્સી ઘટાડી દીધી છે. હિંમતનગર ડિવિઝનની એસટી બસની ફાળવણી કરી દેવાતા મુસાફર જનતા હાલાકીમાં મૂકાઇ હતી.
એસટી નિગમના ડી.સી. ગોસ્વામીએ જણાવ્યુ કે હિંમતનગર ડિવિઝનની 250 બસની ફાળવણી કરાઇ છે 8 ડેપોના 40 ટકા રૂટ બંધ રાખ્યા છે આમેય અત્યારે વેકેશન હોવાથી બહુ ધસારો રહેતો નથી. તમામ બસ શુક્રવારે સાંજે પરત ફરત ફરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.