હિંમતનગર મતવિસ્તારમાં છેલ્લા એક દાયકાથી મતદારોનો ઝૂકાવ કળી શકાય તેવો નથી રહ્યો. પેટા ચૂંટણી સહિત છેલ્લી ત્રણ ચૂંટણીમાં મતદારોએ વ્યક્તિને જીત અપાવી છે કોઈ પાર્ટીને નહીં. વર્ષ 2012માં કોંગ્રેસનો વોટશેર 48 ટકા સુધી પહોંચી ગયો હતો અને ભાજપની સાપેક્ષમાં વોટ શેરમાં 7 ટકાની સરસાઈ હતી.
એ જ ઉમેદવારે પેટાચૂંટણી અને સામાન્ય ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરતાની સાથે ભાજપનો વોટ શેર વધીને 48 ટકા થઈ ગયો અને કોંગ્રેસના વોટ શેરમાં દોઢેક ટકાનો ઘટાડો થયો છતાં બંને ચૂંટણીમાં પરિણામ ભાજપ તરફે આવ્યું હતું. ગત 2017 ની ચૂંટણીમાં નોટાએ મહદંશે ભાજપને જીતાડ્યું હતું.
છેલ્લી ત્રણ ચૂંટણીના આંકડા જોઈએ તો વર્ષ 2012માં રાજેન્દ્રસિંહ ચાવડાને ભાજપે તક ન આપતાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી તે વખતે કોંગ્રેસનો વોટ શેર વધીને 48.69 ટકા થઈ ગયો હતો જ્યારે ભાજપનો વોટશેર 41.62 ટકાએ અટકી ગયો હતો 17,000 થી વધુ વોટ અન્ય ઉમેદવારોને મળ્યા હતા.
ત્યારબાદ 2014 લોકસભા ચૂંટણી વખતે રાજેન્દ્રસિંહ ચાવડાએ ભાજપ પ્રવેશ કરતાં પેટા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર વધીને 47.78 ટકા થઈ ગયો હતો જ્યારે કોંગ્રેસના વોટ શેરમાં પોણા ટકાનો ઘટાડો થતાં 46.27 ટકા થયો હતો. વર્ષ 2017 માં રાજેન્દ્રસિંહ ચાવડાએ ફરીથી ભાજપમાંથી ચૂંટણી લડી હતી અને ભાજપ કોંગ્રેસ બંનેના વોટ શેરમાં એક એક ટકાનો વધારો થવા છતાં કોંગ્રેસની 1728 મતથી હાર થઈ હતી.
આ ચૂંટણીમાં નકારાત્મક 3334 નોટા મત જે શાસક પક્ષ વિરુદ્ધ નારાજગી દર્શાવતા હતા તે કોંગ્રેસને ન મળવાના કારણે ભાજપની જીત થઈ હતી. છેલ્લી ત્રણ ચૂંટણીમાં બેઠકના મતદારોએ જોખી જોખીને મતદાન કર્યું છે પરંતુ જીત એક જ વ્યક્તિની થઈ છે પાર્ટી ગમે તે હોય.
એટલે જ આ બેઠકના મતદારો રાજકીય પક્ષ નહીં વ્યક્તિનું મૂલ્યાંકન કરી મત આપતા હોવાનું જણાઈ રહ્યું છે જેને કારણે જ્ઞાતિ સમીકરણો અનુકૂળ હોવા છતાં રાજકીય પક્ષોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન અન્ય રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો 10 થી 15 હજાર મત મેળવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.