સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથક તલોદ નગર મધ્યે આવેલા શ્રીકૃષ્ણ મંદિર પરિસરમાં આજે ફૂલડોલ ઉત્સવ અને હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે રંગોત્સવનું ભાવવાહી અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો ભક્તો ભક્તિમાં લીન થઇ મંદિરમાં ભગવાન આગળ ઝૂમ્યા હતા.
અબીલ, ગુલાલ જેવા રંગ બેરંગી દ્રવ્યો થકી તથા કેસુડાના પાણી અને ગુલાબ સહિતના પુષ્પોની લાખો પાંદડીઓ થકી ભગવાનને તથા ભક્તોને રંગોત્સવના રંગે રંગાઈ જવાની જાણે કે અહીં આજે એક લ્હાવા રૂપે મજા પડી હતી. ભક્તિ સંગીતની સુરાવલીઓ અને મનભાવન રંગો ની બોછારને કારણે મંદિર પરિસરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. જેમાં જોડાઈને અબાલ વૃધ્ધ ભક્તો ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. મુખીયાજી ગિરિરાજ પાલીવાલએ લાલજી ભગવાનના બાળ સ્વરૂપને રંગોત્સવ પ્રસંગે અનેક દ્રવ્યો અને પુષ્પોથી હર્યા ભર્યા કરી દઈને પૂજા આરતી કરી હતી. શ્રીકૃષ્ણ મંદિર તલોદના સંચાલક મંડળના અને તલોદ વૈષ્ણવ સમાજ ટ્રસ્ટના સહમંત્રી જીતુભાઈ ત્રિવેદીએ પ્રત્યેક પ્રસંગોમાં હાજર રહી યોગદાન આપનાર ભક્તોનો આભાર માન્યો હતો.
હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ ન્યુ ઈંગ્લીશ હાઇસ્કુલમાં વિધાર્થીઓએ અને શિક્ષકો ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. તો હોળી બાદ પડતર દિવસે સ્કુલમાં અભ્યાસનો સમય પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ ધૂળેટીની ઉજવણી પાણી અને રંગબેરંગી કલરો એકબીજા પર નાખીને કરી હતી. આ ઉજવણીમાં વિધાર્થીઓ સાથે સ્કુલના શિક્ષકો પણ જોડાયા હતા અને ઉજવણીનો આનંદ માણ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.