સુવિધા:પ્રાંતિજના તખતગઢમાં 75 ટકાથી વધુ ઘરો પર સોલાર સિસ્ટમ લાગી

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચના પ્રયાસોથી 100 ટકા સોલાર માટે 100 ટકા લોન થઈ, પર્યાપ્ત વીજળી મળતાં ખેડૂતોમાં ખુશી

સમગ્ર ભારતમાં સૌર ઊર્જા માટે વિવિધ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે પ્રાંતિજના તખતગઢમાં સૌર ઉર્જા અંતર્ગત હાલમાં ચાલી રહેલ વીજળી બચાવો અભિયાનનો શ્રેષ્ઠ માર્ગ અપનાવી 100 ટકાના નિર્ધાર સાથે સોલાર રુફ ટોપ લગાવવાનો પ્રારંભ કર્યો છે અને 200 પૈકી 150 જેટલા મકાન ઉપર સોલાર સિસ્ટમ લગાવી 75 ટકાથી વધારે લોકો હવે સૌર વીજળીનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું છે. અગાઉ તખતગઢ ગામે પાણી બચાવો ઝુંબેશ અંતર્ગત સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો તેમ જ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત પણ થયું હતું.

તખતગઢના સરપંચ નિશાંતભાઈ પટેલે જણાવ્યું કે ગામને 100 ટકા સોલર રુફ ટોપ લગાવવા આસાન વાત ન હતી. એક સેટનો સરેરાશ 1.32 લાખનો ખર્ચ તમામ લોકો ઉઠાવી શકે તેવી સ્થિતિ ન હતી. જેથી સરકારમાં લોનની વ્યવસ્થા અંગે ચર્ચા કર્યા બાદ સાબરકાંઠા બેન્ક દ્વારા ગામની મુલાકાત લેવાઈ હતી ખેતીની સીઝનમાં જ લોનનો હપ્તો ભરી શકાય તેમ હોવાથી ગામની સેવા સહકારી મંડળીએ 100 ટકા લોન માટે તૈયારી બતાવી અને કામ બની ગયું. હાલમાં 200 પૈકી 150 જેટલા મકાનમાં રુફ ટોપ લાગી ગયું છે.અને આગામી ટૂંક સમયમાં બાકીની કામગીરી પણ પૂર્ણ થઈ જશે.

તમામ લોકોને આ સોલાર પેનલ લગાવવાના પગલે વીજળી બિલથી રાહત મળી રહી છે હવે તમામ લોકોને વધારાના કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા વિના લાઈટ બિલથી મુક્તિ મળી છે. પ્રતિદિન 12 થી 15 યુનિટના ઉત્પાદન સામે હાલમાં 7 થી 8 યુનિટનો વપરાશ થઈ રહ્યો છે. રાંધણગેસના ભાવ વધી ગયા છે ત્યારે ઇલેક્ટ્રિક સગડીનો વપરાશ વધારી દેવાયો છે જે પણ એક ફાયદો છે સૌથી મોટી રાહત ટ્રીપિંગમાં થઇ છે.

સૌર ઊર્જા થકી તમામ ખેડૂતો માટે પણ આ યોજના ખૂબ ફાયદાકારક સાબિત થઈ રહી છે. પહેલાના સમયમાં જરૂરી વોલ્ટેજ મળતા ન હતા તેમ જ મોટાભાગના વોલ્ટેજ ગામમાં જ વપરાઇ જતા હતા જેના પગલે ખેતી માટે પૂરો વીજ કરંટ મળતો ન હતો અને વારંવાર ટ્રીપિંગનો સામનો કરવો પડતો હતો.જો કે હવે ગામના નવીન પ્રયાસ થકી વીજ ઉત્પાદન થઈ રહ્યું હોવાથી તેમની ખેતીમાં પણ પર્યાપ્ત વિજ પુરવઠો મળતા હવે ખેડૂત જગતને પણ ખુશી આપી છે

અન્ય સમાચારો પણ છે...