પ્રાંતિજના તાજપુરકૂઇમાં ખનીજ વહન કરતાં વાહનો ધૂળ ઉડાડતા હોય કંટાળી વેપારી અને સ્થાનિકોએ માર્ગ બંધ કરી હોબાળો મચાવતા નાયબ મામલતદાર, પોલીસ સહિત તંત્ર દોડી આવતાં મામલો થાળે પાડ્યો હતો. તાજપુરકૂઈમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ વહન કરતાં વાહનોથી ઉડતી ધૂળના ગોટેગોટાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમસ્યાને લઇ અનેકવાર રજૂઆત લેખિત તેમજ આવેદન પત્ર પણ આપ્યા છે છતાં તંત્ર મૌન છે. હપ્તા રાજમાં ખનીજતંત્ર અને સિંચાઇ વિભાગ રજૂઆતોને ખોરંભે ચડાવી આંખ આડા કાન કરી કોઈ હકારાત્મક કાર્યવાહી કરતી નથી.
જેથી ઉડતી ધૂળના લઈ પાકા રોડ પર રોડ દેખાતો નથી રહેણાંક મકાનોમાં પણ ધૂળના થર જામી જાય છે. આ અંગે સ્થાનિકોએ રસ્તા પર આડશ મૂકી ટ્રકો બંધ કરાવી હોબાળો મચાવ્યો હતો. આ અંગે મગનસિંહ હિંમતસિંહ, અશોક વાળંદ, બચુસિંહ રાઠોડના જણાવ્યાનુસાર અમારી રજૂઆતોને અને આવેદનપત્રોને અધિકારીઓએ અભરાઈ પર મૂકી દીધા હોય તેમ લાગી રહ્યુ છે. ઘટનાને પગલે પ્રાંતિજ મામલતદાર કચેરીમાંથી નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ દોડી આવ્યા હતા અને રોષે ભરાયેલા લોકોને થાળે પાડ્યા હતા સિંચાઇ વિભાગના ડી. કે. પટેલે જણાવ્યું કે અમારી પાસે ટ્રકો પસાર થવાનું કોઈ એગ્રીમેન્ટ નથી. કાર્યવાહી હાથ ધરીશું વધુમાં ઘણું કામ દિવાળી સુધી કરી આપવાની ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.