ચોમાસામાં સાબરકાંઠામાં 100 ટકાથી વધુ વરસાદ થવાને પગલે જળસ્તર ઊંચા આવવા સહિત પિયતની સમસ્યાનો અંત આવતાં આ વર્ષે શિયાળુ વાવેતરમાં 8.5 હજાર હેક્ટરનો વધારો થયો છે અને હજુ વાવેતર ચાલુ છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 10 થી 12 હજાર હેક્ટર વાવેતર વધવાની સંભાવના છે. આ વર્ષે ચણા, રાઈ અને મસાલા પાકના વાવેતરમાં ઘટાડો થયો છે. જિલ્લામાં વર્ષ 2020માં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં 1,12,663 હેક્ટરમાં વિવિધ શિયાળુ વાવેતર થયુ હતું. વર્ષ-2021માં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં 125530 હેક્ટરમાં શિયાળુ વાવેતર થયું હતું.
જ્યારે આ વર્ષે 8 ડિસેમ્બર સુધીમાં કુલ 133913 હેકટરમાં વાવેતર થઈ ચૂક્યું છે અને હજુ વાવેતર ચાલુ છે. ઘઉંના વાવેતરમાં 10,000 હેક્ટરનો વધારો થતાં અત્યાર સુધીમાં 78189 હેકટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. ગત વર્ષની સરખામણીએ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં 8.5 હજાર હેક્ટરમાં શિયાળુ વાવેતરમાં વધારો થયો છે. જિલ્લામાં શિયાળામાં ઘઉ અને બટાટાનું મહત્તમ વાવેતર થાય છે. આ વર્ષે જીરૂ,ચણા, રાઇ, લસણ, ધાણા જેવા પાકનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે
જ્યારે ચાલુ વર્ષે પિયત સુવિધા વધતા ખેડૂતોનો ઝુકાવ ઘઉંના વાવેતર તરફ વધતા ચણાના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો થયો છે ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે સિંચાઈની કોઈ સમસ્યા ન હોવાથી તથા ગત વર્ષે ઘઉંના 400 થી 700 જેટલો ભાવ મળવાને કારણે અને વૈશ્વિક બજારમાં ઘઉંની માંગ વધુ હોવાથી ખેડૂતોએ મહદઅંશે ઘઉંનું વાવેતર કર્યું છે.ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યું કે ગત સિઝનમાં પર્યાપ્ત વરસાદને કારણે અપેક્ષા મુજબ જ પિયતની જરૂરિયાતવાળા અને મહત્તમ વળતર આપતા ઘઉંની ખેતી તરફ ઝોક વધ્યો છે
ગત વર્ષે ચણાનું 5444 હેક્ટરમાં વાવેતર થયુ હતું તેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3100 હેકટરમાં અને રાઇનું ગત વર્ષે 3964 હેક્ટરમાં વાવેતર થયુ હતું તેની સામે અત્યાર સુધીમાં 3604 હેક્ટરમાં વાવેતર થયું છે તેમણે ઉમેર્યું કે ગત વર્ષે લસણનું 112 હેક્ટરમાં વાવેતર થયુ હતું તેની સામે ચાલુ વર્ષે માત્ર 38 હેક્ટરમાં વાવેતર થયું છે ધાણાનું પણ 40 હેક્ટરમાં વાવેતર થયું છે. વરિયાળી અને શાકભાજીમાં 1-1 હજાર હેક્ટર વાવેતર ઘટ્યું છે અને તમાકુનું વાવેતર જળવાઈ રહ્યું છે હજુ દસેક હજાર હેક્ટર વાવેતર વિસ્તાર વધવાની સંભાવના છે.
ત્રણ વર્ષની સરખામણી હેક્ટરમાં | |||
વિગત | 2020 | 2021 | 2022 |
ઘઉં | - | 68492 | 78189 |
બટાટા | - | 22537 | 24232 |
ચણા | 2123 | 5444 | 3100 |
રાઇ | 967 | 3964 | 3604 |
જીરૂ | 46 | 33 | 19 |
વરિયાળી | 1019 | 2279 | 2131 |
તમાકુ | 2525 | 4891 | 4838 |
શાકભાજી | 5766 | 6816 | 6038 |
લસણ | 0 | 112 | 38 |
મકાઇ | 2114 | 1969 | 1832 |
ધાણા | 0 | 30 | 40 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.