ચંદનચોરો જેલભેગા થયા:સાબરકાંઠા જિલ્લામાં ચંદનના ઝાડ કાપી ચોરી કરતા બે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી

સાબરકાંઠા (હિંમતનગર)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં ચંદનના ઝાડ કાપી ચોરી કરનારા બે શખ્સો વિરૂદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટર સમક્ષ મોકલી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા ચંદનની ચોરીમાં સપડાયેલા બંન્ને શખ્સોને પાસા હેઠળ અટકાયત કરતો હુકમ કરતાં બંન્નેં આરોપીઓને ભાવનગર અને જૂનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

ખેડૂતોએ ઉછેરેલા ચંદનના ઝાડ કાપવાની વ્યાપક ફરિયાદ
આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના ઇડર તથા જાદર પંથકમાં ખેડૂતોએ ઉછેરેલા ચંદનના ઝાડ કાપી ચંદનનુ લાકડુ વેચવાની વ્યાપક ફરિયાદો થઇ હતી. આવી અસામાજીક પ્રવૃત્તિ કરતા શખ્સોની પોલીસ દ્વારા અગાઉ ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે તેમજ છતા પણ ચંદનની ચોરીના ગુનાઓ વધી રહ્યા હોવાથી આવી અસામાજીક પ્રવૃત્તિ કરતા ગટુ ઉર્ફે સુદામસિંહ પુશવા તથા રોહનસિંહ ઉર્ફે ભંધધરૂ પુશવા (ઉ.વ.૩૨) (બન્ને રહે. દેવરી ગ્રામ પંચાયત, બુદરા, હાલ રહે. બાલાજી કોમ્પ્લેક્ષની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં, તા.ઇડર)ની વિરૂધ્ધમાં સાબરકાંઠા જિલ્લા એલસીબી દ્વારા આ બન્ને શખ્સોની પાસા હેઠળની દરખાસ્ત કરી જિલ્લા કલેકટર સમક્ષ મોકલી આપવામાં આવી હતી.

બંન્ને શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી
​​​​​​​જિલ્લામાં ચંદન ચોરીના બનાવોને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર દ્વારા ચંદન ચોરીના ગુનામાં સંડોવાયેલા આ બન્ને શખ્સોને પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કર્યો હતો. જેથી સાબરકાંઠા એલસીબીએ ગટુ ઉર્ફે સુદામસિંહ પુશવાને ભાવનગર મધ્યસ્થ જેલ જ્યારે રોહનસિંહ ઉર્ફે ભંધધરૂ પુશવાને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આ બંન્ને શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. ત્યારે ચંદન ચોરીના બનાવો અટકશે તેવુ ખેડૂતોને લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...