સમસ્યા:પુરાલમાં તત્કાલીન સરપંચ- તલાટી ગેરરીતિમાં દોષિત ઠરતાં તલાટીના બે ઈજાફા અટકાવાયાં

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તત્કાલની સરપંચ અને તલાટી ગટર લાઈન બનાવ્યા વિના 1.10 લાખ ચાઉં કરી ગયા હતા

હિંમતનગરના પુરાલમાં ગટર લાઇનના બે કામ ન થવા છતાં રૂ. 1.10 લાખનું ચુકવણું થઈ ગયું હોવા અંગે અને સરપંચ તલાટીએ મિલિભગતથી ગેરરિતી આચરી ઉચાપત કરી હોવા અંગે બે વર્ષ અગાઉ સ્થાનિકે ફરિયાદ કર્યા બાદ તપાસને અંતે બંને દોષિત ઠરતાં ડીડીઓએ તત્કાલીન તલાટીના બે ઇજાફા એક વર્ષ માટે અટકાવવાનો હુકમ કર્યો હતો.

પુરાલમાં વર્ષ 2015-16 માં એટીવીટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામો માટે ગામમાં અશોકસિંહ ખાંટના ઘરથી રોહિતજી ચૌહાણ ના ઘર સુધી ગટરલાઈન 60,000 તથા અરખાજી જાડેજાના ઘર પાછળથી કાંતિજી મકવાણાના ઘર સુધી ગટર લાઇનના કામ માટે રૂ.50,000 ની તા.08-09-15 ના રોજ વહીવટી મંજૂરી અપાઇ હતી.

ગામના નરસિંહભાઈ માધાભાઈ પટેલે તા. 10-08-20 ના રોજ અરજી કરી સ્થળ ઉપર આવું કોઈ કામ થયું ન હોવાનું અને ચુકવણું કરી દેવાયું હોવા અંગે ફરિયાદ કરતાં તપાસમાં બહાર આવ્યું કે સ્થળ ઉપર કામ થયું ન હોવા છતાં તત્કાલીન ટીડીઓ દ્વારા આ બંને કામનું ચૂકવણું સરપંચને ચેકથી કરાયું હતું

ચુકવેલ રકમ સામે મંજૂર કામ સ્થળ પર થયા ન હોવાનું અને મંજૂર રકમના વપરાશના અન્ય કોઈ પુરાવા કે સ્પષ્ટતા પણ ઓન રેકોર્ડ થઈ ન શકતા નાણાંકીય ઉચાપત થયાનું પ્રસ્થાપિત થતાં તપાસ અહેવાલમાં તત્કાલીન સરપંચ ચંદ્રશેખર પટેલ સામે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 તથા તત્કાલીન તલાટી દેવાંગ દેસાઈ સામે ગુજરાત રાજ્ય પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો 1997 મુજબ કાર્યવાહી કરવા પ્રાંત કચેરી દ્વારા દરખાસ્ત કરાઈ હતી.

જેના અનુસંધાને તત્કાલીન તલાટી દેવાંગ દેસાઈ હાલ તલાટી કમ મંત્રી ગાંધીનગરને તા. 04-06-22 થી 2 ઈજાફા એક વર્ષ માટે ભવિષ્યની અસર સિવાય અટકાવવાની ડીડીઓ દ્વારા શિક્ષા કરાઇ હતી. પૂર્વ સરપંચ ચંદ્રશેખર પટેલની જવાબદારી નક્કી કરવામાં તેમને હોદ્દો છોડ્યાને 6 માસથી વધુ સમય વિત્યો હોવાથી પ્રાંત કક્ષાએથી પૂર્વ સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવા જાણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...