ચૂંટણી જંગ:હિંમતનગરમાં ભાજપને જીતાડવા પીએમને ચૂંટણી પહેલા હિંમતનગર લાવવા કવાયત તેજ

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટીદાર, લઘુમતી, દલિત મતદારો લામબંધ અને ઠાકોર ક્ષત્રિય મત વહેંચાવાની પ્રબળ સંભાવના

સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભા બેઠક પૈકી મહત્વની ગણાતી હિંમતનગર બેઠક પરનો જંગ રોચક બની ગયો છે. જ્ઞાતિ સમીકરણ, ઉમેદવારોની પસંદગી, જ્ઞાતિ-સમુદાયનો અસંતોષ જોતા ભાજપ માટે કપરા ચઢાણ હોવાનો અનુભવ થઈ રહ્યો છે. પાટીદાર લઘુમતિ દલિત મતદારો લામબંધ થયાની અને ઠાકોર ક્ષત્રિય મતદારો વહેંચાઈ જવાની પ્રબળ સંભાવનાઓ વચ્ચે હિંમતનગર ભાજપના ઉમેદવારની નૈયા પાર કરાવવા ભાજપના એક માત્ર તારણહાર નરેન્દ્ર મોદીને ચૂંટણી પહેલા હિંમતનગર લાવવા કવાયત તેજ કરાઈ છે.

હિંમતનગર બેઠકમાં 2.80 લાખ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 78 હજાર ઠાકોર-ક્ષત્રિય 46હજાર થી વધુ પાટીદાર 42 હજાર લઘુમતી અને 32 હજાર દલિત તથા 80હજાર જેટલા ઓબીસી ઈત્તર સવર્ણ સમાજના મતદારોનો સમાવેશ થાય છે ભાજપ અને આમ આદમી પાર્ટીએ ઠાકોર ક્ષત્રિય વોટબેંકને નજર સમક્ષ રાખી ઉમેદવારની પસંદગી કરી છે તો કોંગ્રેસે પાટીદાર ઉમેદવારની પસંદગી કરી છે. હિંમતનગર બેઠક પર ભાજપ માટે ડામાડોળ સ્થિતિ પેદા થઈ છે

જ્યારે છેલ્લા એક વર્ષથી કાર્યક્રમો મેળાવડા વગેરેના આયોજન થકી જન સંપર્ક કર્યો હતો તેને ટિકિટ ન આપી છેલ્લી ઘડીએ તાલુકા બહારના ઉમેદવારની જાહેરાત કરતા જનસંપર્ક કરવા માટે ભાજપના ઉમેદવાર પાસે સમય જ રહ્યો નથી. આંતરિક અસંતોષ, જૂથવાદ, લઘુમતી દલિત પાટીદાર સમાજનો એક તરફ વધી રહેલ ઝૂકાવ સહિતની બાબતો ભાજપ માટે સારા અણસાર નથી. રાજકીય હવા બદલવા સક્ષમ મનાતા નરેન્દ્ર મોદીને છેલ્લી ઘડીએ 28-30 નવેમ્બર દરમ્યાન હિંમતનગર લાવી 50 થી 80હજાર મતદારોને એક સાથે આકર્ષિત કરવાના પ્રયાસ શરૂ કરાયા છે.

મુખ્યમંત્રી સહિત ત્રણ સ્ટાર પ્રચારકો આજે સાબરકાંઠામાં
આજે મંગળવારે સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠકો પૈકી ત્રણ બેઠકો ઉપર મુખ્યમંત્રી સહિત ભાજપના ત્રણ સ્ટાર પ્રચારકો જાહેર સભા ને સંબોધન કરનાર છે. પુરુષોત્તમ રૂપાલા હિંમતનગર, મનસુખ માંડવીયા ઈડર તેમજ ભુપેન્દ્ર પટેલ ખેડબ્રહ્મામાં જાહેર સભા સંબોધન કરનાર છે.

અન્ય સમાચારો પણ છે...