સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કનાઈ ગામની સીમમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે ત્રણ ખેડૂતોના ખેતરમાંથી 12 મણ એરંડા ચોરી થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે કનાઈ ગામ મોહમદઅલી રાજપુરાના ગામની સીમમાં દાદાવાળા ટેબા નામથી ઓળખાતા ખેતરમાંથી આશરે 4 મણ એરંડા રૂ. 4800 ના, યાકુફ નાસીરભાઈ રાજપુરાના ખેતરમાંથી રૂ 2400 ના બે મણ તથા યાકુફ નસીરભાઈ રાજપુરવાળા 7200 ના 6 મણ એરંડા ખેતરમાં ખુલ્લા પડ્યા હતા. કુલ મળી રૂ.14 હજાર 400ના એરંડાની 5મી માર્ચની રાત્રીના સમય કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
કિફાયતનગરમાં પોણા બે કલાકમાં એક લાખની મત્તાની ચોરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સવગઢના કિફાયતનગર વિસ્તારમાં ગઈકાલે સવારે પોણા બે કલાકમાં અજાણ્યા શખ્સોએ મકાનનો દરવાજો ખોલી રૂ.1 લાખની મત્તાની ચોરી કરી લઇ જતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે કિફાયતનગરમાં રહેતા સલમાબાનું અબ્દુલશા જીણુંશા ફકીરને ત્રણ રૂમવાળું મકાન છે અને બંને તરફ રોડ છે. 6 માર્ચને સોમવારના રોજ સવારે 7:30 કલાકે સલમાબાનું ઘરે પાછળના દરવાજાને અંદરથી સાંકળ લગાવીને મુખ્ય દરવાજાને તાળું મારીને કામ અર્થે નીકળ્યા હતા. તે દરમિયાન તેમનો પુત્ર 9.15 વાગ્યે ઘરે આવ્યો ત્યારે ઘરનું તાળું ખોલી અંદર જોતા મકાનના પાછળના દરવાજો ખુલ્લો હતો. ઘરમાં તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અને સરસામાન અસ્તવ્યસ્ત હતો. જેથી તેમના પુત્રએ માતાને બોલાવી હતી. અંદર તપાસ કરતા 35 તોલાના ચાંદીના પાયલ રૂ.21 હજારના, અડધા તોલાની સોનાની બુટ્ટી રૂ. 25 હજારની, ચાંદીની 20 તોલાની બે લક્કી રૂ. 12 હજારની, સોનાની વીંટી બે ગ્રામની રૂ 10 હજારની, ચાંદીના પંજા 10 તોલાના રૂ 6 હજારના અને રોકડ રૂ 30 હજાર મળી રૂ 1 લાખ 4 હજારની મત્તાની ચોરી થઇ ગયા અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સલમાબાનુંએ ફરિયાદ નોધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.