હિંમતનગર શહેરમાં ગુરૂવારે 46 વર્ષીય યુવકે જીવન ટૂંકાવી લેવાના પ્રકરણમાં મૃતકની પત્નીએ નામજોગ વ્યાજખોરોના નામ સહિત પોલીસને અરજી કર્યા બાદ વ્યાજખોરો દોડતા થઇ ગયા છે અને પીડીત પરીવારને યેનકેન પ્રકારે મનાવી લેવા ધમપછાડા શરૂ કર્યા છે. સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે શહેરના બગીચા વિસ્તારમાં રહેતા ભાર્ગવભાઇ બાબુલાલ ગોહીલ સાથે બુધવારે મોડી સાંજે વ્યાજખોરોએ ઘેર આવીને ખરાબ વર્તન કરતા ભાર્ગવભાઇ એ મોડી રાત્રે પરીવાર સૂઇ ગયા બાદ રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે લટકી ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધુ હતુ.
સવારે ઘટનાની જાણ થતા ચકચાર મચી જવા પામી હતી અને મૃતકના પત્નીએ સાત શખ્સો વિરૂધ્ધ નામજોગ અરજી આપી તેમના ત્રાસ અને મારની બીકથી જીવન ટૂંકાવ્યાનો સીધો આક્ષેપ કરતા વ્યાજખોરો ઘૂંટણીએ પડી ગયા છે અને પીડીત પરીવારને મનાવી લેવા વિવિધ માધ્યમોથી પ્રયાસ શરૂ કર્યા છે. બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ અર્જુન જોષીએ જણાવ્યુ કે તથ્યોને આધારે તપાસ ચાલુ છે અને પૂરાવા એકત્ર થતા કાર્યવાહી હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.