રાજકારણ:હિંમતનગરમાં કડવા પાટીદારોની ભાજપને ચીમકી, ટિકિટ આપો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર ઉમિયા પરિવાર સંસ્થાનમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળી - Divya Bhaskar
હિંમતનગર ઉમિયા પરિવાર સંસ્થાનમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળી
  • હિંમતનગરમાં ઉમિયા પરિવાર સંસ્થાનમાં પાટીદાર અગ્રણીઓની બેઠકમાં સમાજના આગેવાનોનો એક જ સૂર ટિકિટ નહીં આપે તો ભાજપે ભોગવવું પડશે
  • 15-20 હજાર કડવા​​​​​​​ પાટીદાર મતદારનું માનવું કે 78હજાર ઠાકોર ક્ષત્રિયને નારાજ કરવા, ભાજપની વિમાસણ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર છેલ્લા દસેક વર્ષથી કડવા પાટીદાર સમાજને નજર અંદાજ કરાઈ રહ્યો હોવાની લાગણી સાથે ગુરુવારે હિંમતનગર ઉમિયા પરિવાર સંસ્થાનમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી અને સાત પૈકી 6 બેઠકો ભાજપે જાહેર કરી દીધી છે. ત્યારે હિંમતનગર બેઠક પર કડવા પાટીદાર ઉમેદવારને પ્રતિનિધિત્વ કરવાની તક મળે તે માટેની માંગ બુલંદ કરાઈ હતી અને કડવા પાટીદારોની લાગણી મામલે વિચારવામાં આવશે નહીં તો સમાજ જે નિર્ણય લે તે ભાજપે ભોગવવો પડશેની ચીમકી ઉચ્ચારાઈ હતી.

નોંધનીય છે કે હિંમતનગર બેઠક પર 48 હજાર જેટલા પાટીદાર મતદારો છે તે પૈકી 15-20 હજાર કડવા પાટીદાર મતદારો છે અને કોંગ્રેસે સતત બીજી વખત મોડાસીયા કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ ફાળવી છે બીજી બાજુ 78હજારથી વધુ ઠાકોર ક્ષત્રિય મતદારોને નારાજ કરવા પણ ભાજપને પાલવે તેમ નથી રાજકીય નિષ્ણાંતોના મતે બે કડવા પાટીદાર ઉમેદવાર થાય તો પાટીદાર મત વહેંચાઈ જશે અને ઠાકોર ક્ષત્રિય મતોનું એન્ટિ બીજેપી ધ્રૃવીકરણ થઈ જાય તો આમ આદમી પાર્ટીના ઠાકોર ક્ષત્રિય સમાજના ઉમેદવારને સીધો ફાયદો થઈ જવાની પૂરેપૂરી સંભાવના હોઇ હિંમતનગર બેઠકનું કોકડું ગૂંચવાયું છે.

પાટીદાર મતદારોની નોંધપાત્ર સંખ્યા છતાં મોકો મળતો નથી
યુવા અગ્રણી રોનક પટેલે જણાવ્યું કે યુવાઓનું એક જ કહેવું છે કે પાટીદાર મતદારોની નોંધપાત્ર સંખ્યા હોવા છતાં મોકો મળતો નથી. તાજેતરના યુવા સંમેલનમાં પણ યુવાનોની એક જ માગ હતી કે હિંમતનગરની એક સીટ ઉપર કડવા પાટીદાર ઉમેદવારને તક મળવી જોઈએ.

પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ
હિંમતનગર ઉમિયા પરિવારના મંત્રી રામભાઈ પટેલે જણાવ્યું કે ઉમિયા પરિવાર બંને જિલ્લાના 14 સમાજનું સંસ્થાન છે. 14 સમાજના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટણીમાં પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવી રજૂઆત કરાઇ છે આ બાબતે તેમને વિચારવું પડશે અને નહીં વિચારે તો સમાજ જે નિર્ણય લે તે ભોગવવો પડશે.

છેલ્લા 10 વર્ષથી કડવા પાટીદારને તક મળી નથી
કારોબારી સભ્ય લલિતભાઈ પટેલે જણાવ્યું કે સાબરકાંઠા અરવલ્લીના 14 ગોળના કડવા પાટીદારોની આ સંસ્થાના અગ્રણીઓએ છેલ્લા 10 વર્ષથી કડવા પાટીદાર સમાજને તક મળી ન હોવાથી આ ચૂંટણીમાં કડવા પાટીદાર ઉમેદવારને પ્રતિનિધિત્વ આપવા યોગ્ય જગ્યાએ માંગણી કરી છે. ભાજપે છ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ત્યારે હિંમતનગર બેઠક પર કડવા પાટીદાર ઉમેદવારને તક આપવામાં આવે તેવી ગુરુવારે ફરીથી માગણી કરાઇ છે તેનાથી વિપરીત થશે તો સમાજ બેઠક કરીને યોગ્ય નિર્ણય લેશે.

અન્ય સમાચારો પણ છે...