ચાલુ સ્કૂટીએ માથા પર વીજપોલ પડ્યો:હિંમતનગરમાં વાવાઝોડાથી વીજથાંભલો મહિલા વીજકર્મી પર પડતાં મોત; હિંમતનગરમાં અને બહુચરાજીમાં 5 મીમી કમોસમી વરસાદ પડ્યો

હિંમતનગર, મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં અને બહુચરાજીમાં 5 મીમી કમોસમી વરસાદ પડ્યો , ઉત્તર ગુજરાતમાં 32 કિમીની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાઅે હોળીની ખરીદી બગાડી
  • પાલિકાનો વીજપોલ ચાલુ સ્કૂટીએ માથા પર પડ્યો,પુત્રનો 7 માર્ચે જન્મદિવસ હોઈ સરપ્રાઈઝ આપવા ઉદયપુર જવા માટે નીકળ્યા હતા, મૃતક મહેસાણા UGVCLમાં ફરજ બજાવતી હતી

સોમવારે સાંજે હિંમતનગરમાં ભારે પવન ફૂંકાવા માંડ્યો હતો. દરમિયાન મહેસાણા યુજીવીસીએલમાં ફરજ બજાવતા મીતાબેન પરેશકુમાર ભટ્ટ ઉંમર (46) (રહે. અંબિકાનગર સોસાયટી માનવ આશ્રમ વિસનગર રોડ મહેસાણા) મહેસાણામાં સોમવારે મિટિંગ પૂરી કરી પુત્રનો 7 માર્ચે જન્મદિવસ હોઈ સરપ્રાઈઝ આપવા ઉદયપુર જવા નીકળ્યા હતા. દરમિયાન મહિલા વીજકર્મી હિંમતનગર પહોંચ્યા બાદ મિટિંગમાં મહેસાણા આવેલ અન્ય મહિલા વીજકર્મીને મોતીપુરા ડ્રોપ કરવા લિફ્ટ માગતા સ્કૂટી લઈને બંને જણાં મોતીપુરા જવા નીકળ્યા હતા.

અને મીતાબેન સ્કૂટીની પાછળ બેઠેલા હતા અને મહાવીરનગરમાં પૂર્ણિમા ડેરીની આગળ જગદીશ પ્લાઝા આગળથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ભારે પવનને કારણે નગરપાલિકા સ્ટ્રીટ લાઈટનો થાંભલો અચાનક ધરાશાયી થયો હતો અને સીધો મીતાબેન ના માથામાં પડ્યો હતો જેને પગલે મીતાબેન ઘટનાસ્થળે જ બ્રેન ડેડ થઈ ગયા હતા તેમને તાત્કાલિક સારવાર અર્થે જ્યુપિટર બ્રેન એન્ડ સ્પાઇન હોસ્પિટલમાં લઈ જવાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા ઘટનાને પગલે યુજીવીસીએલના કર્મીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં બપોર સુધી વાતાવરણ સામાન્ય રહ્યા બાદ સાંજે 4 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પ્રતિ કલાકે 32 કિમી પવનની ઝડપ સાથે ધસી આવેલા વાવાઝોડાના કારણે હોળીની ખરીદીમાં લાગેલા બજારમાં અફાતફડી સર્જાઇ હતી. હિંમનગર અને બહુચરાજીમાં 5મીમી વરસાદ પડ્યો હતો. સાંજે 4 વાગ્યા બાદ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.

આગાહી | આગામી 8 માર્ચ સુધી માવઠાંની શક્યતા, પાક નુકસાનની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુબજ, 8 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વાદળછાયું રહેશે. આ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે. ત્યાર બાદ 9 થી 12 માર્ચ સુધી આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે મોટાભાગે વાતાવરણ સામાન્ય રહી શકે છે.

આ દરમિયાન માવઠાંની શક્યતા ના બરાબર રહી શકે છે. જો કે, 13 થી 16 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતાં ફરી એકવાર માવઠાંની પ્રબળ શક્યતા છે. કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ખેતરમાં પડી રહેલો કાપણી કરેલો પાક ઉડી જતાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. જો કે, જે વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો ત્યાં પાક જમીન દોસ્ત થયો હતો. જો કે, તેના કારણે નુકસાન થવાની શક્યતા ના બરાબર છે.

અન્ય સમાચારો પણ છે...