હિંમતનગરના એચ.આર. હોન્ડા શો રૂમમાં પુનાસણના શખ્સે ગુરુવારે ડ્યુરો મોપેડ સર્વિસમાં મૂક્યા બાદ સાંજે લેવા જતા બિલ ચૂકવ્યા બાદ મોપેડ વોશિંગ થયું ન હોવાથી ફરિયાદ કરવા જતાં 25 ના ટોળાએ ઇસ સાલે કો માર ડાલો યે ક્યા સમજતા હૈ કહીને લાતો અને મૂક્કા મારી ગ્રાહકને અધમૂઓ કરી નાખતાં 100 નંબર ડાયલ કરતા એ ડિવિઝન પોલીસ દોડી આવી હતી અને 25 માણસોના ટોળા વિરુદ્વ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ ફરિયાદની સામે શોરૂમના કર્મચારીની પણ ફરિયાદ નોંધી હતી.
પુનાસણના સુરેશભાઇ ધુળાભાઇ પટેલે તા.09-06-22 ના રોજ તેમના વેવાઇનું ડ્યુરો મોપેડ નં.જી.જે-9-સી.ઇ-2521 બપોરે સર્વિસ કરાવવા મૂકી સાંજે લેવા જતાં સર્વિસ સ્ટેશનમાં બોલાવી રૂ. 7 હજારની વસ્તુઓ બદલવી પડશે નુ કહેતા સુરેશભાઇ એ ના પાડી હતી અને માત્ર સર્વિસનું કહ્યા બાદ તેમની પાસેથી સર્વિસ ચાર્જ રૂ.365 લેતા શું કામ કર્યું તેમ પૂછતા વોશિંગ અને હેડલાઇટની સ્વીચ બદલ્યાનું જણાવતા વોશિંગ થયાનુ જણાતુ ન હોવાથી ફરિયાદ કરવા ટેબલે ટેબલે ફર્યા બાદ આક્રોશમાં ઊંચા અવાજે બોલતા શો રૂમના 25 માણસોના ટોળાએ લાતો અને મૂક્કા મારી સુરેશભાઇને અધમૂઆ કરી નાખ્યા હતા.
તેમણે ફરિયાદમાં શોરૂમના સીસીટીવી ફૂટેજ કબ્જે લેવા ઉલ્લેખ પણ કર્યો છે. સમાધાન શક્ય ન બનતા એ ડિવિઝન પોલીસે રાત્રે 12:15 કલાકે 25 ના ટોળા સામે ગુનો નોંધ્યા બાદ તા.10-06-22 ના રોજ બપોરે 12:30 કલાકે એચઆર હોન્ડા શો રૂમના સર્વિસ મેનેજર વસીમ અબ્દુલ કાદર વ્હોરાએ સુરેશભાઇ ધુળાભાઇ પટેલ વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી કે બિલ ચુકવવા કાઉન્ટર પર ગયા બાદ જેમ ફાવે તેમ ઊંચા અવાજે બોલતા હોઇ સ્ટાફના માણસો દોડી આવ્યા હતા અને ઝપાઝપી થઇ હતી. સુરેશભાઇએ સ્ટાફના માણસોને બહાર મળો તમને લોકોને જાનથી મારી નાખીશની ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.