હિંમતનગરના મહેતાપુરામાં દિવસે થયેલ ઝઘડાની અદાવત રાખી રાત્રિ દરમિયાન ઘરનો દરવાજો તોડી યુવકને બહાર કાઢી લાકડીઓથી માર મારી ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ જતા ભોગબનનારના ભાઇએ બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક શખ્સ અને પંદરેક માણસોના ટોળા વિરૂદ્વ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
રમેશભાઇ મોટાજી ખારવા મહેતાપુરા ત્રિવેણી હાઇસ્કૂલ પાછળ રહે છે અને તેના માતા-પિતા અને તેમનો ભાઇ કિશોર તથા બહેન મહેતાપુરા રામજીમંદિર પાસે અલગથી રહે છે. તા.26/07/22 નારોજ રમેશભાઇ રાત્રિના સવા બારેક વાગ્યે તેમના ઘેર હતા તે દરમિયાન બુમાબુમ થતા બહાર આવી જોતા તેમની સામે રહેતા ઓમપ્રકાશ ઉર્ફે પોલીયો લક્ષ્મણભાઇ ખટીકના ઘેર પંદરેક માણસોનુ ટોળુ હતુ અને તે બધા પોલીયાને માર મારતા હતા જેમાં ચંદ્રપાલસિંહ ભાટી પણ હતો.
આ દરમિયાન બધા કહેતા હતા કે કિશોરના ઘેર જઇને તેને પણ મારવાનો છે ત્યારબાદ બધા ગાડીઓ લઇ નીકળી ગયા હતા જેથી તેમણે તેમના ભાઇ કિશોરને ફોન કરી જાણ કરતા કિશોરે કહ્યુ હતુ કે કોઇ મારવા નહિ આવે બોલાચાલી થઇ હતી તે પુરી થઇ ગઇ છે. ફોનમાં બુમાબુમ થતા રમેશભાઇ તેમના ભાઇના ઘેર જવા નીકળતા મહેતાપુરા સર્કલે પહોંચતા ચંદ્રપાલસિંહ ભાટીની ગાડી ઉભી હતી જેમાં તેમનો ભાઇ કિશોર પાછળની સીટમાં બેસાડેલો હતો અને તેને માર મારતા હતા ત્યારબાદ બધા ગાડીઓ લઇ જતા રહ્યા હતા.
જેથી રમેશભાઇએ તેમના ભાઇના ઘેર જઇ પરિવારજનોને પૂછતા તેમની બહેન દીપાબેને જણાવ્યુ કે કોઇક માણસો ઘરનો દરવાજો ખખડાવતા હોઇ બારી માંથી જોતા બહાર ચંદ્રપાલસિંહ ભાટી તથા તેની સાથે બીજા પંદરકે માણસો હતો જેમાં ચંદ્રપાલસિંહ અને બીજા માણસો પાસે લાકડીઓ હતી. રમેશભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચંદ્રપાલસિંહ મનહરસિંહ ભાટી તેમજ અન્ય પંદરેક માણસોના ટોળા વિરૂદ્વ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.