માસૂમને જીવતી દાટતાં જીવ કેમનો ચાલ્યો?:સાબરકાંઠામાં કોઈ નવજાત શિશુને ખેતરમાં દાટી ગયું, હલતી જમીનને જોઈ મજૂરે બૂમાબૂમ કરી, ખોદ્યું તો જીવતી બાળકી નિકળી

સાબરકાંઠા (હિંમતનગર)5 દિવસ પહેલા
  • બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી
  • ખેતમજૂરને જમીનમાં કંઈ ઉચું-નીચું હલતું દેખાતાં ખોદતાં નવજાત બાળકી મળી
  • બાળકીને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. આ નવજાત બાળકી જીવિત મળી આવતાં લોકોમાં આશ્ચર્યની સાથે કોઈ ચમત્કાર થયો હોવાની લાગણી ફેલાઈ છે. ઘટનાને પગલે 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી, જ્યાં બાદમાં માસૂમને હાલ હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. જો કે માસૂમને જીવતી દાટતાં તેનાં માવતર સામે સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે.

ખેતમજૂરને કાઈક હલતું દેખાતાં બૂમાબૂન કરતાં લોકો દોડી આવ્યાં હતાં
ખેતમજૂરને કાઈક હલતું દેખાતાં બૂમાબૂન કરતાં લોકો દોડી આવ્યાં હતાં

બાળકી જીવિત મળી આવતાં લોકોમાં ચમત્કારનો ભાવ
હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં આવેલા GEB પાસેના હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલતું દેખાતાં તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં લોકોમાં જેને 'રામ રાખે તેને કોણ ચાખે' વાળી ચમત્કૃતિની લાગણી ફેલાઈ હતી. જેના પગલે તાત્કાલિક 108 સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોએ તેના માવતર સામે ફિટકાર વરસાવ્યો હતો.

ખેતરમાંથી માસૂમ જીવતી મળી આવતાં લોકોમાં ચમત્કારની સાથે ફિટકારની લાગણી
ખેતરમાંથી માસૂમ જીવતી મળી આવતાં લોકોમાં ચમત્કારની સાથે ફિટકારની લાગણી

બાળકીને હિંમતનગર સિવિલ ખાતે દાખલ કરાઈ
જીવિત નવજાત શિશુને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. તો આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટવાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે 108 સાબરકાંઠાના સુપરવાઈઝર જૈમીન પટેલે જણાવ્યું હતું કે ગાંભોઇમાં આજે સવારે 10 વાગ્યે કોલ આવ્યો હતો કે ગાંભોઈમાં GEB પાસેના ખેતરમાં નવજાત બાળકી માટીના નીચે દટાયેલા હાલતમાં મળી આવી છે. જેથી 108 એમબ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરાઈ હતી અને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું અને બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

માસૂમને હિંમતનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ
માસૂમને હિંમતનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ

ગાંભોઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
બાળકીના બચાવ કાર્યમાં 108ના EMT પ્રકાશભાઈ પરમાર અને પાયલોટ અરખભાઈ તિરગરે મહેનત કરી બાળકીનો જીવ બચાવી ઉમદા કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તો આ અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એફ.ઠાકોરે જણાવ્યું હતું કે જીઈબી પાસેના હિતેન્દ્રસિંહના ખેતરમાં નવજાત જીવત શિશુ મળી આવ્યું હતું, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ નવજાત જીવિત શિશુને બહાર કાઢી તેની હિંમતનગર સિવિલમાં સારવાર શરૂ કરાઈ છે.

ઉઘાડપણા તબીબે અથવા ઘેર જ પ્રસૂતિ થયાની સંભાવના
નવજાત બાળકીને જીવતી દાટી દેવાનું અધમ કૃત્ય બહાર આવતા ગેરકાયદેસર ગર્ભધારણ અથવા બાળકી હોવાને કારણે ત્યજી દેવાયાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તબીબી સૂત્રોના જણાવ્યાનુસાર ગાયનેક તબીબ દ્વારા નવજાતને આ સ્થિતિમાં લેબરરૂમ માંથી બહાર લઈ જવા પરવાનગી અપાય તેવી કોઈ સંભાવના નથી. આ પ્રસૂતિ ઘેર જ કરાવાઈ હોય અથવા કોઈ ઉઘાડપણા તબીબની મદદ લેવાયાની સંભાવના વધુ છે.

માટી પર હાથ મૂકતા, મને થડકારાનો અનુભવ થયો
ખેતરની જમીનમાં માટી નીચે કંઈક હોવાનું સૌ પ્રથમ જોયાનો દાવો કરનાર ચેતનસિંહ બિહોલાએ જણાવ્યું કે, હું મનહરસિંહ રાઠોડના ખેતરમાં કામ કરું છું. સવારે ખેતરમાં જઈને હું જાર વાઢતો હતો. ત્યારે 9:30 વાગે એક જગ્યાએ મને માટી હલ્યાનો આભાસ થયો. ત્યાં જઈને મેં હાથ મૂકતા થડકારાનો અનુભવ થયો અને રડવાનો અવાજ પણ સંભળાયો. તેથી મેં બાજુમાં કામ કરતા જસુભાઈને વાત કરી અને આ બાળકી મળતા 108ને જાણ કરી. - મનહરસિંહ નવલસિંહ રાઠોડ, ખેતરમાં ભાગિયા તરીકે કામ કરે છે

બાળકી જીવિત રહી તે ઘટના ચમત્કાર છે: 108 મેનેજર
108ના ડિસ્ટ્રિક્ટ મેનેજર જયમીનભાઈએ કહ્યું કે, આ બાળકી કેટલા કલાક જમીન નીચે રહી તે હજુ માલુમ નથી પડ્યું, પરંતુ હાજર લોકોના નિવેદન પરથી ઓછામાં ઓછો દોઢ બે કલાક સમય હોવો જોઈએ. ઇએમટી પ્રકાશભાઈએ કરેલ રિપોર્ટ મુજબ બાળકીની નાળ કપાયેલી ન હતી. બાળક બહાર કાઢ્યું ત્યારે કોથળી સાથે હતું. તે દૂર કરી તેનો શ્વાસ ચાલુ કરાયો હતો.

નાળના માધ્યમથી ઓક્સિજન મળી શકે છે : CDMO
મુખ્ય જિલ્લા તબીબી અધિક્ષક ડૉ. એન.એમ. શાહે જણાવ્યું કે, બાળકી જીવિત રહી તેનું કારણ નાળ-એમ્બેલિકલ કોર્ડ સાથે હોવી જોઈએ અથવા માટીનું આવરણ ઓછું અને સમય જેવા કારણ હોઈ શકે છે. નાળના કારણે નવજાતને ઓક્સિજન મળતો રહે છે.

40 ફૂટ ઊંડા કૂવામાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી જીવિત મળી
ગરબાડા - દાહોદના ભે ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં ત્યજી દેવાયેલી આશરે બે દિવસની બાળકી મળતા ખળભળાટ મચી ગયો હતો. બાળકીને ત્યજનાર પાણી વગરના કૂવામાં દોરડું બાંધીને ઉતર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. બાળકીના પગ ઉપર કીડીઓ દ્વારા સંખ્યાબંધ ચટકા ભરેલા મળ્યાં છે. બાળકીને હાલ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવી છે. આ ઘટના પછી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...