હિંમતનગરમાં રહેતી 25 વર્ષીય દિવ્યાંગ યુવતીને પેટમાં દુ:ખાવો ઉપડ્યા બાદ તબીબે બે - ત્રણ માસનો ગર્ભ હોવાનું નિદાન કરતાં ચકચાર મચી જવા પામી હતી અને ઇડરના દાવડ ખાતે રહેતા બનેવીએ સાળીની શારીરીક પંગુતા અને એકલતાનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યાનો ભાંડો ફૂટતાં લોકોએ ચોમેરથી ફિટકાર વરસાવ્યો હતો. કુકર્મ કરી બનેવી ફરાર થઇ જતાં પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
જાદર પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં રહેતી 25 વર્ષીય દિવ્યાંગ યુવતીને પેટમાં દુ:ખાવો ઉપડતા સારવાર અર્થે તબીબ પાસે લઇ જવાઇ હતી અને તબીબે બે - ત્રણ માસનો ગર્ભ હોવાનું નિદાન કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આઘાતમાં સરી પડેલ પરિવારે ઘેર આવીને યુવતીને સમજાવીને પૂછતાં વહેશી બનેવીના કુકર્મનો ભાંડો ફોડ્યો હતો.
યુવતીને જન્મજાત પીઠના ભાગે ઢુબ નીકળેલ છે અને પગે અપંગ છે જે બે - ત્રણ માસ અગાઉ બહેનના ઘેર દાવડ ગઇ હતી અને રાત્રિ દરમિયાન લઘુશંકા માટે બહાર નીકળતા બનેવીએ દિવ્યાંગ યુવતીની પંગુતા અને એકલતાનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે દિવ્યાંગ સાળી ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધર્યાની ખબર પડતાં બનેવી ફરાર થઇ ગયો હતો. બનેવીના કુકર્મના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ત્રણ માનવ જીંદગીઓ બરબાદીના પગથીયે આવીને ઉભી થઇ ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.