સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેશના પ્રથમ ડીજીટલ ગામમાં તસ્કરો રાત્રે જીપ ડાલું લઇ આવી ખેડૂતના ઘરની ઓસરીમાંથી 70 મણ કપાસ જીપ ડાલામાં નાખી ચોરી કરી લઇ જતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે દેશના પ્રથમ ડીજીટલ ગામ એવા આકોદરામાં રહેતા ખેડૂત ચેતન પટેલે 10 વીઘાના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું અને તૈયાર થયા બાદ એક મહિનામાં કપાસના ખેતરમાંથી રૂ વીણીને ઘરમાં આગળની ઓસરીમાં 70 મણ રૂ નો ઢગલો કર્યો હતો. દરમિયાન 11મી રાત્રે ચેતનભાઈ તેમની માતા અને બહેન ઘરમાં સુઈ ગયા હતા. અને ઓસરીમાં લાઈટ ચાલુ હતી. વહેલી સવારે આશરે 5 વાગ્યે ઉઠ્યા ત્યારે ઓસરીમાં લાઈટ બંધ હતી અને ચાલુ કરી તો રૂ નો ઢગલો ન હતો. તેથી ચેતને આજુબાજુમાં રહેતા માર્ગેશ પટેલને પૂછ્યું હતું. ત્યારે માર્ગેશે જણાવેલું કે રાત્રે ગામમાં આવેલા ICICI બેંકના ચોકીદાર વિજયસિંહ કરણસિંહ રાઠોડે રાત્રે 3:30 વાગ્યે મને મોબાઈલ પર ફોન કરી જણાવ્યું હતું કે તમે માલ સમાન ભરવા માટે કોઈ બોલેરો ડાલું મંગાવ્યું છે. ત્યારે જવાબમાં ના પાડી હતી. ત્યારે વિજયસિંહે જણાવેલું કે એક બોલેરો પીકઅપ ડાલું તમારા ઘર નજીકથી કઈ સમાન ભરી સ્પીડમાં નીકળી ગયેલી છે. તે વાતને લઈને માર્ગેશભાઈના ઘર નજીક થોડું રૂ વેરાયેલું જોવા મળ્યું હતું. જેથી આ અજાણ્યા બોલેરો પીકઅપ ડાલામાં શખ્સોએ 70 મણ પ્રતિકિલોના રૂ. 1700 લેખે રૂ.1 લાખ 19 હજારના કપાસની ચોરી થઇ ગયાની હિંમતનગર એ ડીવીઝનમાં ચેતન પટેલે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે ખેડૂત ચેતન પટેલે જણાવેલું કે ડીજીટલ ગામમાં ક્યાંય તસ્કરો સીસીટીવીમાં કેદ થયા જ નથી. અને તસ્કરો મારા ઘરની પાછળ એરંડાના ખેતરની બાજુમાં બોલેરો પીકઅપ ડાલું મુક્યા બાદ ઓસરીમાંથી રૂ નો ઢગલો ખાલી કર્યો હતો અને આ ઢગલો ખાલી કરવા માટે 7 થી 8 માણસોની જરૂર પડે અને અંદાજીત અડધોથી પોણો કલાક લાગી શકે છે. તો ઓસરીમાં ચાલુ લાઈટ બંધ કરી હતી તેવું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.