વેપારીઓમાં ફફડાટ:સાબરકાંઠામાં ભેળસેળના 79 કેસોમાં રૂ. .1.13 કરોડનો દંડ ફટકારાયો, 7 વર્ષથી સમગ્ર પ્રક્રિયા ચાલી રહી હતી

હિંમતનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક જ દિવસમાં ઐતિહાસિક ચુકાદો અપાતાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો
  • વિવિધ પ્રકારના તેલ, ફરસાણ, જ્યુસ, આઈસ્ક્રીમ, મરી-મસાલા, દૂધની બનાવટો, મીઠાઈ વગેરે ખાદ્યચીજોમાં ભેળસેળ હતી

સાબરકાંઠા જિલ્લામાં 7 વર્ષથી ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા લેવાયેલ ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના પૈકી 79 નમૂનામાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવ્યા બાદ એડજ્યુડીકેટેડ ઓફિસર અને નિવાસી નાયબ કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતાં એક જ દિવસે 79 કેસમાં ઐતિહાસિક ચુકાદો આપી કુલ રૂ.1,13,20,000 નો દંડ ફટકારતાં ભેળસેળીયા તત્વોમાં ફફડાટ આવી ગયો છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાએ વિગત આપતાં જણાવ્યું હતું કે સાતેક વર્ષ અગાઉ 10 ફૂડ સેફ્ટી કર્મચારીઓએ ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લઈ ફૂડ એનાલિસ્ટને તપાસ માટે મોકલી આપેલ હતા. આ નમૂનાઓ પૈકી 79 જેટલા નમૂનાઓ ભેળસેળવાળા માલૂમ પડ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળવાળા નમૂનામાં વિગતવાર તપાસ કરી જવાબદારો સામે વર્ષ 2015-16 દરમિયાનથી એડજ્યુડીકેટેડ ઓફિસર અને નિવાસી નાયબ કલેક્ટરની કોર્ટમાં 79 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

આ કેસ ચાલી જતાં એડજ્યુડીકેટેડ ઓફિસર અને અધિક નિવાસી નાયબ કલેકટર એચ.આર મોદીએ તમામ આરોપીને કુલ રૂ.1,13,20,000 નો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. ડેઝિગનેટેડ ઓફિસરે ઉમેર્યું કે તમામ કેસમાં અધ્યયન કરાશે અને જે કિસ્સામાં ભેળસેળની ગંભીરતા વધુ થઈ હશે અને દંડ ઓછો થયો હશે તેમાં ટ્રીબ્યુનલમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે. એક જ દિવસમાં 79 જેટલા કેસમાં ચુકાદો આપી ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. એક જ દિવસમાં 1.13 કરોડનો દંડ ફટકારતાં સાબરકાંઠા જિલ્લાના ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

આટલી ખાદ્યચીજોમાં ભેળસેળ મળી આવી
મેન્ગોજ્યુસ, કપાસિયા તેલ, ફરાળી ચેવડો, મિક્સ ચવાણું, ઘી, લસ્સી, પનીર, કુલ્ફી, આઈસ્ક્રીમ, સોપારી, આટો, હળદર, મરચું, મરી, સીંગતેલ, વેજફેટ, આયોડાઇઝડ નમક, મીઠાઈ, સોયાબીન તેલ, ફરાળી સીંગ, સોસ, ફરસાણ પાપડી, મસ્ટર્ડ ઓઇલ, ચા, પામોલીન તેલ, મરચું પાવડર, પેકેઝડ ડ્રીન્કિંગ વોટર, ધાણા જીરૂ પાવડર, સેવ, મીઠો માવો, શ્રીખંડ, મગફાડા, મોહનથાળ

અન્ય સમાચારો પણ છે...