રજૂઆત:ઇલોલ પંચાયતમાં સરપંચના પતિ સહીઓ સહિત વર્ક ઓર્ડર લઇ કોન્ટ્રાક્ટરોને કામ આપતા હોવાના આક્ષેપ કરાયો

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SPના વહીવટ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સદસ્યો જ મેદાને પડ્યા

હિંમતનગરની ઇલોલ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિ આખો દિવસ પંચાયતમાં બેસી સરપંચના નામની ખોટી સહીઓ કરવા સહિતની કામગીરી કરતા હોવા અંગે પંચાયત સદસ્યો જ મેદાને પડતાં ખળભળાટ મચી ગયો છે. હિંમતનગર ટીડીઓને કરેલ લેખિત રજૂઆત સાથે ફોટા વીડિયો પૂરાવા પણ રજૂ કર્યાનું અને વિકાસના કામોમાં વર્ક ઓર્ડર આપવાની તક વોર્ડ સદસ્યને મળે એ માટેના પ્રયાસ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

હિંમતનગર તાલુકાની સૌથી મોટી ઇલોલ પંચાયતમાં મહિલા સરપંચ છે. તારીખ 06-06-22 ના રોજ 14 વોર્ડના સદસ્યો,પૂર્વ સરપંચ વગેરે હિંમતનગર ટીડીઓને રજૂઆત કરી છે કે ઇલોલના મહિલા સરપંચના પતિ નિઝામુદ્દીન દાઉદભાઈ મસી આખો દિવસ પંચાયતમાં બેસી રહે છે અને પંચાયતના રેકોર્ડ સાથે ચેડા કરે છે. મહિલા સરપંચ પંચાયતની નજીકમાં જ રહેતા હોવા છતાં એસપી-સરપંચ પતિ મહિલા સરપંચના નામની ખોટી સહીઓ કરે છે.

સાથે સાથે વડી કચેરીએ પણ તેઓ જ જાય છે અને વિકાસના કાર્યોના વર્ક ઓર્ડર લઇ ઠેકેદારોને કામ આપી તેમની પાસેથી મોટી ટકાવારી વસૂલ કરે છે અને આમાં રોકવાનો પ્રયાસ કરનારના ફોટા વીડિયો બનાવી ધમકીઓ આપે છે. ટીડીઓ સમક્ષ થયેલ રજૂઆત ને પગલે ખળભળાટ મચી ગયો છે. સાથે સાથે વિકાસકામોમાં ટકાવારીની ભાગ બટાઈનો મામલો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સરપંચ પતિ-એસપી પંચાયતમાં બેસી વહીવટ કરતા હોવાના ફોટા વીડિયોના પૂરાવા પણ રજૂ કર્યા છે

મહત્વના કાર્યોમાં પતિની સલાહ લેવામાં શું ખોટું
આ અંગે આક્ષેપિત સરપંચ ઝાહેરાબહેને જણાવ્યું કે અગાઉના સરપંચના સમયમાં થયેલ ડીઝલના શંકાસ્પદ ખર્ચા, રાહતના પ્લોટ બીજાના નામે કરી દેવા, ખરાબાની જમીનમાં પ્લોટ પાડી એન.એ કરાવી વેચાણ કરવા સહિતની શંકાસ્પદ બાબતો અંગે તાલુકા કચેરીમાં ધ્યાન દોરતાં મહિલા હોવાને કારણે અવાજ દબાવી દેવા ગ્રુપ બનાવી આક્ષેપો કરાઈ રહ્યા છે. કલેકટરને પણ રજૂઆત કરી છે. મહત્વના કાર્યોમાં પતિની સલાહ લેવામાં કશું ખોટુ નથી.

અન્ય સમાચારો પણ છે...