ઇડર તાલુકાના સૂરપુર અને મણીયોર ગામની વચ્ચે આવેલ તળાવમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી ઇડરની કન્સ્ટ્રક્શન સાઇટોમાં માટી પૂરાણ થઇ રહ્યુ છે તળાવ એટલુ ઉંડુ ખોદી નાખ્યુ છે કે જમીનના નીચેનો ભેજ શોષાઇ ગયો છે. ખાણ ખનિજ વિભાગ અને ઇડર પ્રશાસનના પાપે આજુબાજુના ખેતરોમાં આવેલ કૂવાના પાણી ગાયબ થઇ ગયા છે. માત્ર અને માત્ર ભષ્ટાચારમાં રાચતા તંત્રના અધિકારીઓને પર્યાવરણ, ખનિજ સંપદાની કોઇ પરવા નથી. સાબરકાંઠા જિલ્લામાં એકાદ વર્ષથી માટી ચોરીનુ પ્રમાણ ચરમે પહોંચ્યંુ છે.
નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર ગેરકાયદેસર ખોદકામ કરેલ હજારો ટન માટી ઠલવાઇ રહી છે એવુ પણ નથી કે તંત્રને ખબર નથી અને ખાનગીમાં થઇ રહ્યુ છે બધા જ બધુ જાણે છે ઇડર તાલુકાના સૂરપૂર અને મણીયોર ગામની વચ્ચે સીમાડામાં કઇણાપુરના તળાવમાં ગેરકાયદેસર ખોદકામ થઇ રહ્યુ છે ત્રણેક માસ પૂર્વે પણ આ પ્રવૃત્તિ આચરવામાં આવી હતી જાગૃત ગ્રામજનો ઇડર મામલતદારને જાણ કરે એટલે એકાદ બે દિવસ કામ બંધ થઇ જાય છે. પછી ફરીથી ચાલુ થાય છે ખાણ ખનિજ વિભાગમાં પણ ગ્રામજનો ફરિયાદ કરી ચૂક્યા છે.
ગામના નજરઅલી ભોવણીયાએ આક્રોશ ઠાલવ્યો હતો કે ત્રણેક માસ પૂર્વે આ તળાવ ખોદીને ઇડર ડેભોલ ઉપર થયેલ પ્લોટીગમાં આ જ માટીના 8 હજારથી વધુ હાઇવાથી વીસેક ફૂટનુ પુરાણ કરાયુ છે. માટી ખોદીને ઇડર રતનપુર રોડ પર સ્વાગત વાટીકામાં માટી ખાલી થઇ રહી છે. તળાવ બહુ ઉંડુ કરી દેવાયુ છે માટી ઉપાડતા વાહનો ઉપર સુજલામ સુફલામના સ્ટીકરો લગાવ્યા છે. પંચાયતમાં કોઇ ઠરાવ થયો નથી માટી ઉપાડી રહેલ સંજય ભરવાડ કહે છે ઉપર સુધી હપ્તા આપીએ છીએ તમારાથી થાય તે કરો.
આડા બોરમાંથી પણ પાણી બંધ
સૂરપુરના અન્ય એક રહીશ મહમદભાઇ કડીવાલાએ જણાવ્યું કે મારૂ ખેતર તળાવની પાળ ઉપર જ છે. અત્યાર સુધી એક પણ વખત કૂવામાં પાણી થઇ રહ્યુ નથી તળાવને 50- 60 ફૂટ ઉંડુ કરી દેવાતા નીચેના પાણીનો ભેજ ઉડી ગયો છે. કૂવામાં કરેલ આડા બોરમાંથી પાણી આવતુ બંધ થઇ ગયું છે. અન્ય ખેતરોમાં પણ આ જ સ્થિતિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.