ધરણાંનું આહવાન:ખેડૂતોના પડતર પ્રશ્નોનો ત્વરિત ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 15 જૂને જિલ્લાના તમામ તાલુકા મથકે ધરણાંનું આહવાન કરાયું
  • હિંમતનગરમાં કિસાન સંઘ કાર્યાલય ખાતે ખેડૂતોની બેઠક યોજાઇ

ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નો બાબતે અવાર નવાર આંદોલન કરી આવેદન પત્ર આપી સરકાર સમક્ષ રજૂઆત કરાઇ રહી છે. પરંતુ નિરાકરણ આવી રહ્યું ન હોવાથી બુધવારે હિંમતનગર ખાતે મળેલ બેઠકમાં રાજ્ય સરકારને દસ દિવસનું અલ્ટિમેટમ આપી 15 જૂને તમામ તાલુકા મથકોએ ધરણા કરવાનું આહવાન કરી ખેડૂતોના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવવાની સ્થિતિમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

સા. કાં. ભારતીય કિસાન સંઘની બેઠક બુધવારના રોજ હિંમતનગર સંઘ કાર્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં જિલ્લા પ્રમુખ, જિલ્લા ઉપ પ્રમુખ, તાલુકા પ્રમુખ અને ઉપ પ્રમુખ જિલ્લાના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા અને ખેડૂતોને લગતા પ્રશ્નો બાબતે ગુજરાત સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપવા બાબતે તેમજ સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં આગળની રણનીતિ નક્કી કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ખેત વપરાશના વીજ મીટર મરજિયાત કરવા, વર્ષ 2019 અને 2020ના પાક વીમા બાબતે અને નર્મદા નદીના નીરથી તળાવો ભરવા જેવા પ્રશ્નોનો ઉકેલ જો સરકાર ન લાવે તો જિલ્લાના તમામ તાલુકાએ મામલતદાર કચેરીએ તારીખ તા.15/06/22ના રોજ સવારે 11થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન ધરણાનો કાર્યક્રમ કરી આવેદન પત્ર આપવાનું નક્કી કરાયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં તાલુકા મથકે ખેડૂતો હાજર રહે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા હકારાત્મક પ્રતિસાદ ન મળવાની સ્થિતિમાં ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનવું પડશેની ચીમકી ઉચ્ચરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...