આંદોલનની ચીમકી:સરકારે સ્વીકારેલી માંગણીઓનો અમલ નહીં થાય તો સાબરકાંઠાના વીસીઇ રાજીનામા આપશે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત વિભાગ દ્વારા 8 મહિના થવા છતાં સ્વીકારેલ માંગણીઓ બાબતે કોઇ અમલ થયો નથી

ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા સા.કાં. ડીડીઓને આપવામાં આવેલ આવેદન પત્રની વિગત મુજબ તા.21-10-21 ના રોજ થી મંડળ દ્વારા હડતાળ કરવાની જાહેરાત કરાતા પંચાયત મંત્રી દ્વારા તા.20-10-21 ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી.

પરંતુ પંચાયત વિભાગ દ્વારા 8 મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ થયો નથી. જેથી મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીએ માંગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવાની બાંહેધરી આપેલ આશ્વાસન ખોટુ ફલિત થઇ રહ્યુ છે. ઇ-ગ્રામ વીસીઇને એક રૂપિયો પણ પગાર આપવામાં આવતો નથી અને રાજ્યના 13 હજાર જેટલા વીસીઇનું શોષણ કરાઇ રહ્યું છે. અધિકારીઓ દ્વારા દબાણ આપીને રજાના દિવસે તથા રાત્રે પણ કામ કરાવાય છે. આવી પરિસ્થિતિમાં વીસીઇ માનસિક તણાવ હેઠળ કામ કરે છે.

હાલમાં બિનકાયદેસર રીતે વીસીઇના આઇડી રીસેટ કરીને બદલી દેવાયા છે અને છૂટા કરવા માનસિક ત્રાસ અપાઇ રહ્યો છે. જેથી તા.11-05-22 ના રોજથી તમામ ગ્રામ પંચાયત વીસીઇની ચાલી રહેલ હડતાળ બાબતે ગુજરાત સરકાર દ્વારા માંગણીઓ બાબતે કોઇ નિર્ણય ન લીધો હોવાથી અને તા.25-05-22 સુધી સરકાર દ્વારા કોઇ નિર્ણય નહીં કરાય તો ઇ-ગ્રામ સોસાયટીના રચયિતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.28-05-22 ના રોજ ગુજરાત આવી રહ્યા હોઇ રાજ્યની તમામ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસીઇ રાજીનામું આપવા માટે જશે તેમજ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...