સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના આમોદરા ગ્રામ પંચાયતમાં ફેકટરીની આકારણી ઓછી કરવા માટે રૂ. ૩૦ હજારની લાંચ લેતા સરપંચના પતિ અને તલાટીને સાબરકાંઠા એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, આ કામના ફરિયાદીને આમોદરા ગામની સીમામાં બીયારણનો સીડ્સ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવેલ છે. આ બનાવેલ સીડ્સ પ્રોસેસિંગ પ્લાન્ટનું બાધકામ પુર્ણ થઇ જતાં આમોદરા ગ્રામ પંચાયતમાંથી આકારણી પત્રક લેવા ફરિયાદી તલાટી કમ મંત્રી સંધ્યા પરમાર મળેલા અને તેઓ પાસે આકારણી પત્રકની માંગણી કરતા કોઇપણ બહાનું બતાવી પછી આવજો તેમ કહી આકારણી આપવા ફરીયાદીને ધક્કા ખવડાવેલા. બાદમાં ફરિયાદીએ તલાટીનો અવારનવાર સંપર્ક કરતાં તલાટીએ આકારણી પત્રકમાં આકારણી ઓછી દર્શાવવા તેમજ બે વર્ષનો બાકી રેવન્યુ ટેક્ષ પણ ઓછો લેવા માટે રૂ. 25,000ની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હતા. ફરીયાદીએ સાબરકાંઠા એ.સી.બી. પો.સ્ટે. હિંમતનગર ખાતે ફરિયાદ આપતા ફરિયાદ આધારે શનિવારે પંચો રૂબરૂ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન અમોદરા ગ્રામપંચાયતમાં તલાટી તથા સરપંચના પતિ નટવર ચમારનાઓએ મળીને રૂ. 30,000ની માંગણી કરી હતી. જે લાંચના નાણાં બંન્ને આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમાં લાંચ લેતા ઝડપી લીધા હતા. જેને લઈને એ.સી.બી.એ બંન્ને આરોપીઓને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.