સાબરકાંઠામાં પ્રાંતિજ તાલુકાના સોનાસણ ખાતે એક મકાનની દીવાલ ધરાશાયી થતાં મકાન માલિક સહિત બે કારીગરો કાટમાળ નીચે દટાયા હતા. જેમાં મકાન માલિક અને એક કારીગરનું મોત નિપજ્યું હતુ, જ્યારે એક કારીગરને ગંભીર ઇજાઓ પહોંચતા હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મકાન માલિકનું જન્મદિવસે જ મોત થયું હતું.
બે મજૂરો સંતરામપુરના રહીશ
પ્રાંતિજના સોનાસણ ખાતે આવેલા ખાડીયા નવાધરા વિસ્તારમાં રહેતા પટેલ બાબુભાઈ પુંજાભાઇના મકાનનું કામ ચાલી રહ્યું હતું. આજે સવારે બાજુમાં રહેલા મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં દીવાલના કાટમાળ નીચે મકાન માલિક બાબુ પટેલ (ઉ.વ. 65) તથા મકાનમાં કામે આવેલા બે કારીગરોમાં હજીલાલ મીણા (ઉ.વ.27) તથા રણછોડભાઈ (ઉ.વ.19) ત્રણેય દીવાલના કાટમાળ નીચે દટાયા હતા. બન્ને કામદારો સંતરામપુરના રહેવાસી છે.
મકાનમાલિકનો જન્મ દિવસ હતો
એક મજૂર બહાર ચોપાળ સાઇડમાં હોવાથી એકદમ દીવાલ ધરાશાયી થતાં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો સહિત કોન્ટ્રાક્ટર પણ દોડી આવ્યા હતા. મકાન માલિક બાબુભાઈનો જન્મ દિવસ હતો અને જન્મ દિવસે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ, તેમના પરિવારે તેમની આંખોનું ચક્ષુદાન કર્યું હતું.
મજૂરને ઈજાઓ પહોંચતા હિંમતનગર સિવિલ ખસેડાયો
કાટમાળ નીચે દટાયેલા ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમા મકાન માલિક બાબુભાઈ અને કારીગર હજીલાલનું કાટમાળ નીચે દટાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. અન્ય એક કારીગર રણછોડભાઈને ઇજાઓ પહોંચતા હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
નવીન મકાન બનાવવાનું એક મહિનાથી કામ ચાલતું હતું
સપનાનું ઘર બનાવતા ઘરના વડીલનું મોત નીપજતા પંખીનો માળો આજે વિખરાઈ ગયો હતો. સોનાસણમાં પટેલવાસમાં રહેતા બાબુભાઈ પટેલ પોતાના જુના મકાનની જગ્યાએ નવીન મકાન બનાવવાનું એક મહિનાથી શરૂ કર્યું હતું. નવીન મકાન લેન્ટર લેવલ સુધી દીવાલો ચણાઈ ગઈ હતી. બીજી તરફ તેઓ મકાન ચણતર કરનાર કારીગર અને મજૂર ત્રણેય સવારે કામ કરતા હતા. દરમિયાન બાજુના મકાનની માટીમાં ચણતર કરેલી અંદાજે 20થી 25 ફૂટ ઉંચી ધરાશાયી થઇ હતી. જેમાં બાબુભાઈ અને કારીગર અને મજૂર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. દીવાલ પડવાની ઘટનાને લઈને બુમાબુમ થઇ ગઈ હતી.આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દટાઈ ગયેલ બાબુભાઈ અને બે કારીગરોને બહાર કાઢી કારમાં તાત્કાલિક હિમતનગરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં બાબુભાઈ અને હરેશભાઈ મીણાને મૃત જાહેર કર્યા હતા તો બીજી તરફ ઈજાગ્રસ્ત રણછોડભાઈ બરંડાને શરીરે સામાન્ય ઈજાઓ થઇ હતી જેને સારવાર આપવામાં આવી હતી અને આ ઘટના અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.બંને મૃતકના હિમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા.
દીકરાનું ઘર વસાવવા પિતા જૂનું પાડી નવું મકાન બનાવતા હતા
જૂનું પતરાવાળું ઘર તોડી તેમના પરણિત દીકરા માટે એક મહિના પહેલા પંચાયતમાંથી રજા ચીઠ્ઠી લઈને ધાબાવાળું ઘર બનાવવાનું શરૂ કર્યું હતું. બાબુભાઈ પટેલનો આજે જન્મ દિવસ હતો અને આજે જ તેમના નવીન બની રહેલા ઘરના બાજુની દીવાલ ધરાશાયી થતાં કરુણ મોત થયું હતું. જેને લઈને ગામમાં શોક વ્યાપી ગયો હતો તો અને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તો બીજી તરફ એકના એક પરણિત પુત્રએ અંગદાનને મહત્વ આપી હિમતનગર સિવિલમાં ચક્ષુદાન કર્યું હતું.
કમનસીબ બે મૃતકો
1.બાબુભાઈ પૂજાભાઈ પટેલ (65)રહે. સોનાસણ, તા. પ્રાંતિજ
2.હરેશભાઈ મીણા (25) રહે. ડુંગરપુર,રાજસ્થાન
ઈજાગ્રસ્ત મજૂર
1.રણછોડભાઈ બરંડા (22)રહે ડુંગરપુર,રાજસ્થાન
હિંમતનગર સિવિલમાં વૃદ્ધના ચક્ષુનું દાન કરાયું
ડે. સરપંચ નરેશ પટેલે જણાવ્યું કે જૂનું પતરાવાળું ઘર તોડી તેમના પરણિત દીકરા માટે એક મહિના પહેલા પંચાયતમાંથી રજા ચિઠ્ઠી લઈ ધાબાવાળું ઘર બનાવવાનું શરુ કર્યું હતું . 65 વર્ષીય બાબુભાઈ પૂજાભાઈ પટેલનો આજે જન્મ દિવસ હતો અને તેમના નવીન બની રહેલ ઘરના બાજુની દીવાલ ધરાશાયી થતા જીવનનો અંતિમ દિવસ બની રહ્યો હતો.જેને લઈને ગામમાં શોક વ્યાપી ગયો છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. એકના એક પરણિત પુત્રએ અંગદાનને મહત્વ આપી હિંમતનગર સિવિલમાં ચક્ષુદાન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.