સન્માન સમારોહ!:હિંમતનગરમાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોનું સન્માન; તાલુકા અને જિલ્લા કક્ષાના 9 શ્રેષ્ઠ શિક્ષકોની કરાઈ પસંદગી

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના ડૉ.નલીન કાન્ત ગાંધી ટાઉન હોલમાં સોમવારે સાબરકાંઠા જિલ્લાના અને તાલુકાના 9 શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. તો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો હતો.

દેશના ભાવી નાગરિકોનું ઘડતર કરવાનું મહામુલું કામ કરતા શિક્ષકો વંદનીય છે તેમ જણાવી મંત્રી પ્રદીપ પરમારે ઉમેર્યુ હતું કે, દેશના શિક્ષકોને ગૌરવ પ્રદાન કરવાના હેતુસર સરકાર દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભારત દેશ ઋષિ અને કૃષિની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભગવાન રામ, કૃષ્ણ, અર્જુન, એકલવ્ય વગેરેએ ગુરુના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠતમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે શિક્ષકોની ભરતીમાં થતા ભ્રષ્ટાચાર અટકાવી મેરીટ પદ્ધતિ દાખલ કરી ગુણવત્તાવાળા શિક્ષકો સમાજને આપ્યા છે. આજે સરકારી શાળાનું શિક્ષણ ઉચ્ચ ગુણવત્તાવાળુ બન્યું છે. જેથી ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ, સ્માર્ટ શાળા, આધુનિક વર્ગખંડો વગેરેના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઇ પટેલ, મહિલા અગ્રણી કૌશલ્યાબા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે.વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય કે.ટી.પુરણીયા, પૂર્વ શ્રેષ્ઠ શિક્ષણ સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકો
ઉપાધ્યાય પ્રણવકુમાર હિતેશકુમાર (મ.શિ) શ્રી વિનય મંદિર અનેરા, પટેલ નમ્હેશ ચંદુભાઈ (મ.શિ) શેઠ પી એન્ડ આર હાઇસ્કુલ પ્રાંતિજ, પટેલ રસ્કિનકુમાર કાંતિલાલ (ઉ.શિ) શ્રી હરિનગર પ્રા.શાળા હિંમતનગર તેમજ વણકર પ્રકાશકુમાર કરશનભાઈ (સી.આર.સી) શ્રીદિધીયા પ્રા.શાળા ખેડબ્રહ્મા

તાલુકા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકો
ધીરેનકુમાર રમેશભાઈ પંચાલ (ઉ.શિ) લીમડા-૧ પ્રા. શાળા વિજયનગર, નરેશકુમાર સોલંકી(ઉ.શિ) અજેપુરા પ્રા. શાળા વિજયનગર, ભટ્ટ અબ્બાસ અલી હૈદરઅલી(ઉ.શિ) કેશવપુરા પ્રા.શાળા ઈડર, પટેલ વિરલબેન પ્રવીણકુમાર(ઉ.શિ) કડિયાદરા-૧ પ્રા. શાળા ઈડર, જોષી સાગર બિપિનચંદ્ર હાંસલપુર પ્રા.શાળા હિંમતનગર.

અન્ય સમાચારો પણ છે...