ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે તૈયારીઓના ભાગરૂપે ગુરુવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ધાણધા પાસે આવેલા વન ચેતના કેન્દ્ર ખાતે ફોરેસ્ટ અધિકારીની ઉપસ્થિતિમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં કરુણા જિલ્લાના તમામ રેન્જ ફોરેસ્ટ અધિકારી સહીતના કર્મચારીઓ અને વેટનરી વિભાગના તમામ ડોક્ટરો આ મિટિંગમાં હાજર રહ્યાં હતા. તો તમામ અધિકારીઓએ ચાઇનીઝ દોરી નહીં વાપરવા અને સવાર સાંજ પતંગ નહિ ચગાવવાના શપથ લીધા હતા.
વીજ કંપની લિમિટેડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
સાબરકાંઠા જિલ્લા મુખ્ય ફોરેસ્ટ અધિકારી હર્ષ ઠક્કર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પશુ-પક્ષીઓને કેવી રીતે સારવાર કેન્દ્ર ઉપર મોકલી આપવામાં આવે તે બાબતે તેમજ પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તો જિલ્લા પશુપાલન વિભાગના નાયબ પશુપાલન અધિકારી ડો. જે.બી. પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ઘાયલ પશુ પક્ષીઓ માટે જિલ્લાના તમામ પશુ દવાખાના સહિત પ્રાણી અત્યાચાર નિવારણ સંસ્થાની ટીમ કાર્યરત છે. ઘાયલ પશુ પક્ષીઓને બચાવવા માટે વેટનરી ડોક્ટરોની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. તે સિવાય ગુજરાત સરકારની 1962 કરુણા એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવી છે. કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ગયા વર્ષે 19 પક્ષીઓના મૃત્યુ થયા હતા
જિલ્લાની તમામ સેવાકીય સંસ્થા સહિત જીવદયા પ્રેમીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા અને ઘાયલ પશુ પક્ષીઓની સારવાર તેમજ કલેક્શન બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું. કરુણા અભિયાનની મીટીંગમાં ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસરની ઉપસ્થિતિમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં કરીએ તેમજ સવારે અને સાંજના સમયે પતંગ નહીં ચગાવવાના શપથ લીધા હતા. જિલ્લામાં ગત વર્ષે પતંગ અને ચાઈનીઝ દોરી વડે ઉત્તરાયણ સમયે 239 પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં 19 પક્ષીઓના મૃત્યુ થયા હતા તેવું વન વિભાગ દ્વારા જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.