હિંમતનગરની સર્વોદય બેંકના પાર્કિંગમાં ખોદકામ કરી ગેરકાયદે બાંધકામ ચાલુ કરાયુ હોવા અંગે પાલિકામાં ફરિયાદ કરાઇ છે. અરજદારના જણાવ્યાનુસાર મંજૂર પ્લાનમાં ફેરફાર અંગે પાલિકાની કોઇ મંજૂરી લેવાઇ નથી અને પાલિકા વિરોધ પક્ષના નેતા બેંકમાં ડિરેક્ટર હોવાથી પાલિકા દ્વારા આંખ આડા કાન કરાઇ રહ્યા છે. જ્યારે ચીફ ઓફિસરે 15 દિવસની રજા પર હોવાનું જણાવી કિનારો કરી લીધો હતો.
હિંમતનગર શહેરના ચંદ્રેશકુમાર બાબુલાલ દવેએ તા.17-05-22 ના રોજ ચીફ ઓફિસરને લેખિત જાણ કરી હતી કે બેંકના પાર્કિંગ વિસ્તારમાં બાંધકામ શરૂ કરાયુ છે. પાલિકાએ કયા નિયમોને આધારે રીવાઇઝ પ્લાનને મંજૂરી આપી છે અને પાર્કિંગ વિસ્તાર સાથે છેડછાડ કરવા રજા ચિઠ્ઠી આપી છે અને બેંક દ્વારા હાથ ધરાયેલ કામગીરી ગેરકાયદે હોય તો સ્પષ્ટતા કરવા અને શું કાર્યવાહી કરી તેની વિગતો માંગી હતી પરંતુ એક સપ્તાહ વીતી જવા છતાં પાલિકાના પેટનું પાણી હાલ્યુ નથી.
ચંદ્રેશભાઇએ આક્રોશ ઠાલવ્યો હતો કે પાલિકા વિરોધ પક્ષના નેતા ઇમરાન અલજીવાલા બેંકના ડિરેક્ટર છે અને અવારનવાર પાલિકાનું નાક દબાવતા હોઇ તેમને નારાજ ન કરવા પાલિકા દ્વારા આંખ આડા કાન કરાઇ રહ્યા છે. જ્યારે ચીફ ઓફિસર નવનીત પટેલે સમગ્ર વિવાદ મામલે પોતે 15 દિવસની રજા પર હોવાનુ જણાવી કિનારો કરી લીધો હતો. સમગ્ર મામલે હિંમતનગર પાલિકામાં અરજી કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
તથ્ય હશે તો કાર્યવાહી કરાશે: ટીપી અધિકારી
પાલિકા ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારી વિષ્ણુભાઇએ જણાવ્યું કે રજૂઆત મળી છે બાંધકામ માટે કોઈ મંજૂરી માંગવામાં આવી નથી અને તપાસ હાથ ધરી છે. તથ્ય હશે તો કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરાશે.
લોકર માટે પેસેજ બનાવાઇ રહ્યો છે: ડિરેક્ટર
પાલિકા વિરોધ પક્ષના નેતા અને સર્વોદય બેંકના ડિરેક્ટર ઇમરાન અલજીવાલાએ જણાવ્યુ કે લોકર માટે પેસેજ બનાવાઇ રહ્યો છે.બીજુ કંઇ બાંધકામ થઇ રહ્યુ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.