હિંમતનગર રૂરલ પોલીસે તાજપુરી ગામમાંથી મળી આવેલ માનસિક દિવ્યાંગ અને મૂકબધિર 20 વર્ષીય યુવકનું કાઉન્સેલિંગ કરી શક્ય ન બનતા સોશિયલ મીડીયાની મદદથી તેના સગાવ્હાલાને શોધી કાઢી તા.05-05-22 ના રોજ યુવકને હેમખેમ પરિવારજનોને સોંપતા માતાની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા.
રૂરલ પીએસઆઇ કે.કે.રાઠોડે વિગત આપતાં જણાવ્યુ કે ગત તા. 03-05-22 ના રોજ હિંમતનગર તાલુકાના તાજપુરી ગામથી એક ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે ગામમાં એક બહારનો અજાણ્યો યુવક ફરી રહ્યો છે અને માનસિક દિવ્યાંગ હોય તેવું જણાય છે જેથી પોલીસની ટીમ તાજપુરી ગઇ હતી અને યુવકને રૂરલ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવાનો પ્રયાસ કરતાં યુવક મૂકબધિર હોવાનું પણ જાણવા મળ્યુ હતું.
યુવક બોલી શકતો ન હોઇ તેનુ નામ, સરનામુ, પરિવાર વગેરેની વિગતો મેળવવી થોડી મુશ્કેલ થઇ હતી જેથી સોશિયલ મીડિયાના માધ્યમથી નજીકના જિલ્લાના વિવિધ સમાજના લોકો - ગૃપોમાં યુવક મળી આવ્યાના ફોટા મોકલી યુવકની ઓળખ કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. દરમિયાનમાં માણસાના અલુઆના પ્રવિણજી રણછોડજી ઠાકોરે સંપર્ક કર્યો હતો અને યુવક જન્મથી માનસિક દિવ્યાંગ અને મૂકબધિર હોવાથી ત્રણેક દિવસથી ઘેર થી નીકળી ગયો હોવાનુ જણાવી કલોલ તાલુકાના સોજા ખાતે રહેતા યુવકની માતા લક્ષ્મીબેન નાગરજી ઠાકોરને લઇને રૂરલ પોલીસ સ્ટેશન આવી પહોંચતા આધાર - પુરાવા મેળવી ખરાઇ કર્યા બાદ તાજપુરીથી મળી આવેલ નિલેશજી નાગરજી ઠાકોર (20) ને તેની માતાને સુપરત કર્યો હતો. ગુમ થયેલ પુત્ર હેમખેમ મળી આવતા ગદ્દગદિત થઇ ગયેલ માતાએ રૂરલ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.