લોખંડ ગેંગ પોલીસની ઝડપમાં:હિંમતનગર પોલીસે બે શખ્સોને ચોરીની એક્ટિવા સાથે ઝડપ્યા, કોર્ટે 1 લી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા, રૂ 9.21 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીઓ સમયે વાહન ચેકીંગ દરમિયાન હિંમતનગર એ ડિવીઝન પોલીસે પોકેટક્રોપ સર્ચના આધારે લોખંડ ગેંગના બે શખ્સોને ઝડપી કુલ રૂપિયા 9,21,780નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પોકેટક્રોપ સર્ચના આધારે ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અલગ અલગ 6 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ આગામી વિધાનસભાની ચૂંટણીઓને અનુસંધાને પી.એસ.આઇ. જે.એમ. પરમાર તથા એસ.એમ. કાપડીયા, અ.પ.કો. વિક્રમસિંહ મંગળસિંહ, જ્ઞાનદિપસિંહ વિજયસિંહ તથા પો.કો. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ સહિતના રામદેવ દાળબાટી નજીક વાહન ચેકીંગની કાર્યવાહી કરી રહ્યાં હતા. તે દરમિયાન બે શખ્સો નંબર પ્લેટ વગરની એકટીવા ઉપર બેસીને આવી રહ્યા હતા અને તેમની તપાસ કરતા પાછળની નંબર પ્લેટ ઉપર રજીસ્ટ્રેશન નંબર GJ.09.CV.2836 નો માલુમ પડ્યુ હતુ. જોકે એકટીવાના દસ્તાવેજો તથા લાયસન્સની માંગણી કરતા આ બન્ને શખ્સો કોઇ સંતોષકારક જવાબ આપતા ન હતા અને ગલ્લા તલ્લા કરતા હતા.

જેથી પોલીસને વધુ શંકા જતા પી.એસ.આઇ. જે.એમ. પરમારે પોકેટક્રોપના આધારે એકટીવાનો રજીસ્ટ્રેશન નંબર ચેક કરતા આ એકટીવાની ચોરી અંગે હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હોવાનું માલુમ પડ્યુ હતુ. આ બન્ને શખ્સોની વધુ પુછપરછ કરતા તેમણે એકટીવા બે મહિના પહેલા નવા રોડ ઉપરથી ચોરી કરી હોવાનું કબુલાત કર્યુ હતુ. વધુ પુછપરછ કરતા સેન્ટીંગના સાધનો, પીકઅપ ડાલુ, ટ્રેલર સહિતના વિવિધ વસ્તુઓની ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. તો ઝડપાયેલા બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 લી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

કયાં બે શખ્સો ઝડપાયા

ગોપાલસિંહ જગદીશસિંહ ચૌહણ (રહે.સતલાસણા, જિ.મહેસાણા, હાલ રહે. ગંગોત્રી સોસાયટી, હિંમતનગર)

મનહરસિંહ પુજસિંહ રાઠોડ (રહે.મોદય નાથાજીવાસ, પ્રાંતિજ)

પોલીસે રિકવર કરેલું મુદ્દામાલ

એકટીવા કિંમત રૂપિયા 30,000

પીકઅપ ડાલુ કિંમત રૂપિયા 2,50,000

ટ્રેલર કિંમત રૂપિયા 1,25,000

સેન્ટીંગના સાધનો કિંમત રૂપિયા 10,9,700

લોખંડની ભારીઓ નંગ ૨૪ કિંમત રૂપિયા 1,10,880

કુલ કિંમત રૂપિયા 9,21,780

કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી વાપરીને ચોરી કરતા હતા
ગોપાલસિંહ જગદીશ ચૌહાણ અને મનહરસિંહ પુંજસિંહ રાઠોડ બન્ને ભેગા મળીને દિવસ દરમિયાન કન્સ્ટ્રકશન સાઇડો ઉપર વોંચ રાખતા હતા અને રાત્રી દરમિયાન ચોરેલા વાહન અથવા પીકઅપ ડાલુ કન્સ્ટ્રકશન સાઇડની જગ્યાએ લઇ જઇ લોખંડની ભારીઓ, સેન્ટીંગનો સામાનની ચોરી કરી નાસી જતા હતા. આ બન્ને શખ્સોએ પોતાની ગેંગનુ નામ લોખંડ ગેંગ પાડયુ હોવાનુ પણ પોલીસને જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...