ઓર્ડર રદ કર્યો:હિંમતનગર સીઓની કિન્નાખોરી ન ચાલી, ચાર્જ છોડતા પૂર્વે ગટર વિભાગના વડાનું સસ્પેન્શન રદ

હિંમતનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવ નિયુક્ત થયેલા સીઓએ ગણતરીના કલાકોમાં ઓર્ડર રદ કર્યો
  • સસ્પેન્ડ કરનાર સીઓએ 15 દિવસ અગાઉ જ કરાર રિન્યૂ કર્યો હતો

હિંમતનગર નગરપાલિકાના વિવાદો માટે ટેવાયેલા તત્કાલિન સીઓએ બદલીનો ઓર્ડર આવતાની સાથે ગટર વિભાગના વડાને કામમાં બેદરકારી રાખવાના કારણો સહિત સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યા બાદ નવ નિયુક્ત ચીફ ઓફિસરે હાજર થતાની સાથે ગણતરીના કલાકોમાં જ ગુણદોષને આધારે ઓર્ડરને રદ કરતા ચીફ ઓફિસરની કિન્નાખોરીનો પર્દાફાશ થયો હતો. નોંધનિય છે કે તત્કાલિન ચીફ ઓફિસર જ પંદરેક દિવસ જ અગાઉ આ કર્મચારીનો કરાર રિન્યૂ કર્યો હતો.

હિંમતનગર નગરપાલિકામાં ગટર વિભાગમાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા કરાર આધારિત આકાશ બ્રહ્મભટ્ટને એક હોદ્દો નીચે ઉતારી લાંચ લેતા ઝડપાયેલ એન્જિનિયરને ગટર વિભાગના વડા બનાવી દેવાનો એક સપ્તાહ અગાઉ કરેલ હુકમ શાસક પક્ષના કાઉન્સિલરોના ભારે વિરોધ વચ્ચે બે દિવસમાં જ રદ કરવો પડ્યો હતો.

એકદમ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ!
આકાશ બ્રહ્મભટ્ટે સમગ્ર મામલે જણાવ્યું કે સસ્પેન્શન ઓર્ડર મળતા તરત જ ખુલાસા સાથે મારો પક્ષ રજૂ કર્યો હતો અને હુકમમાં દર્શાવેલ કારણો યોગ્ય ન જણાતા અને મારી ફરજના 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ જોતા નવ નિયુક્ત ચીફ ઓફિસરે મારું સસ્પેન્શન રદ કરવાનું યોગ્ય માન્યું હતું.

નોંધનીય છે કે પંદરેક દિવસ અગાઉ આકાશ બ્રહ્મભટ્ટનો કરાર નવનીતભાઈ પટેલે રિન્યૂ કર્યો હતો. ત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે કે બે અઢી વર્ષના કાર્યકાળમાં ચીફ ઓફિસરને અનિયમિતતાઓ ન દેખાઇ અને જતાં જતાં એકદમ સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ! પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરની કાર્યપ્રણાલી હિંમતનગરમાં પણ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...