ઉગ્ર આંદોલનની ચિમકી:જુની પેન્શન યોજનાની માંગ સાથે સરકારી કર્મચારીઓ રસ્તા ઉપર ઉતર્યા, જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળે શનિવારે જુની પેન્શન યોજના અને કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે મહારેલીનુ આયોજન હિંમતનગર ખાતે કર્યુ હતુ. જેમાં શિક્ષકો, જિલ્લા પંચાયતના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ડીએલઆર કચેરી, સિંચાઇ કચેરી, ગ્રામ વિકાસ એજન્સી સહિત ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા ગ્રામસેવકો સહિતના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાવીરનગરથી નિકળેલી આ મહારેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. ત્યારબાદ આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે સમગ્ર ગુજરાત રાજયમાં ફરજ બજાવતા સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ તથા શિક્ષકો જૂની પેન્શન નિતી લાગુ કરવા માટે વારંવાર વિરોધ પ્રદર્શનો સાથે દેખાવો યોજીને રજૂઆતો કરવા છતા પણ સરકાર દ્વારા કોઇ નિર્ણય નહી કરાતા જૂની પેન્શન યોજનાની માંગ સાથે કર્મીઓ રસ્તા ઉપર ઉતર્યા છે. હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા પાસે આવેલ રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં શનિવારે શિક્ષકો, ગ્રામ સેવકો, ડીએલઆર વિભાગના કર્મચારીઓ, જિલ્લા પંચાયત તેમજ આરોગ્ય સહિત વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. સંયુકત જિલ્લા કર્મચારી મોરચાના પ્રમુખ ગીરીશભાઇ એન. પટેલ, કન્વીનર મહેન્દ્રભાઇ બી. પટેલ, મહામંત્રી રોહિતદાન કે. ગઢવી સહિતના હોદ્દેદારોએ રેલીને સંબોધન કરી હતી. આ રેલીમાં આચાર્ય સંઘના હોદ્દેદારો ભાનુભાઇ પટેલ સહિત શિક્ષકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હોદ્દેદારોએ કલેકટર હિતેષ કોયાને આવેદનપત્ર આપીને જણાવ્યુ હતુ કે જુની પેન્શન યોજના, ગ્રેડ પે, સાતમાં પગારપંચની માંગ સહિતના પડતર પ્રશ્નો માટે રાજય વ્યાપી ઝુંબેશ શરૂ થઇ છે. ત્યારે સરકાર જો આ પ્રશ્નોનું નિરાકરણ નહી લાવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...