હિંમતનગરના શખ્સે બે વર્ષ અગાઉ ગાંધીનગરમાં આપદામિત્ર - તરવૈયાની તાલીમ માટે આવેલ ખેડબ્રહ્મા તાલુકાના વ્યક્તિ સાથે પરિચય કેળવી ગત ઓક્ટોબરમાં જીઆરડીમાં જિલ્લા માનદ્દ અધિકારી બનાવી દેવાની લાલચ આપી ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં જીઆરડી સભ્યો લેવાના છે કહી 151 વ્યક્તિના રૂ.3 હજાર લેખે ઉઘરાવી કુલ રૂ.4,63,000 ની છેતરપિંડી આચર્યાનુ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્મા તાલુકાના ચિત્રોડીના કાન્તિભાઇ ભારથાભાઇ અંગારી ખેડબ્રહ્મામાં જીઆરડી સભ્ય તરીકે પંદરેક વર્ષથી ફરજ બજાવે છે અને બેએક વર્ષ અગાઉ આપદા મિત્ર - તરવૈયાની તાલીમ લેવા ગાંધીનગર ગયા હતા. જ્યાં હિંમતનગર તાલુકાના નિકોડા - ચંદ્રપુરાકંપાના અનિલભાઇ ઉર્ફે કાનો રમણભાઇ પટેલ પણ આવેલ અને પરિચય કેળવાયો હોઇ એકબીજાના સંપર્કમાં હતા
તા.16-10-21 ના રોજ અનિલભાઇએ ફોન કરીને કહ્યું હતું કે જીઆરડીમાં જિલ્લા માનદ અધિકારીની જગ્યા ખાલી પડી છે રૂ.10 હજાર આપો તો માનદ અધિકારી બનાવી દઉ જેથી રૂ.10 હજાર આધાર કાર્ડ બેન્કની ચોપડીની નકલ તે જ દિવસે રૂબરૂ આવીને લઇ ગયો હતો.
ત્યારબાદ તા.18-10-21 ના રોજ ફરી ફોન કરીને કહ્યુ હતુ કે ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાંથી જીઆરડી સભ્યો લેવાના છે દરેક પાસેથી બે જોડી ગણવેશ અને નિમણૂંક ઓર્ડર આપવાના રૂ.3 હજાર ઉઘરાવી આપો હું ઓર્ડર અપાવી દઇશ જેથી કાન્તિભાઇએ 151 જણા પાસેથી પૈસા ઉઘરાવી રોકડા, બેંકમાં, ફોન પે થી કુલ રૂ.4,63,000 અનિલભાઇને તા.17-12-21 સુધીમાં ચૂકવી આપ્યા હતા. કોઇને નોકરી ન મળતા પૈસાની ઉઘરાણી કરતાં વાયદા કર્યા બાદ અનિલભાઇએ ફોન બંધ કરી દેતા કાન્તિભાઇ અંગારીએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.