ભાસ્કર એક્સક્લૂસિવગરીબથી પણ બદતર જીવન જીવતા પૂર્વ ધારાસભ્ય:કોંગ્રેસના ધુરંધર નેતાને હરાવનાર ધારાસભ્યને ખાવાનાં પણ પડ્યાં ફાંફાં, દીકરાઓ ખેત મજૂરી કરવા મજબૂર બન્યા

સાબરકાંઠા (હિંમતનગર)9 દિવસ પહેલા

ભવ્ય બંગલો, ચમકદાર કાર, બ્રાન્ડેડ કપડાં અને વૈભવી ઠાઠમાઠ.... 'ધારાસભ્ય' નામનો શબ્દ સાંભળો એટલે તમારી આંખ સામે આ વસ્તુઓ તરી જ આવે. પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ મોટા ભાગના નેતાઓ તેની સાત પેઢી ખાય તોય ન ખૂટે એટલી સંપત્તિ ભેગી કરી લેતા હોય છે. એટલું જ નહીં, આજના સમયમાં સામાન્ય સરપંચ પણ લાખો રૂપિયાની કમાણી કરી લે છે ત્યારે આજે એક એવા નેતાની વાત કરીશું, જેમને બે ટંક ખાવાનાં પણ ફાંફાં છે.

ગમે ત્યારે તૂટી પડે એવું કાચું ઝૂંપડું, ખખડધજ ખાટલો, હાથમાં લાકડીના ટેકે માંડ માંડ ચાલી શકતા 82 વર્ષીય જેઠાભાઈ રાઠોડ વિશે વાંચીને તમને સિસ્ટમ પર ગુસ્સો આવશે. આજે ગુજરાતના એક એવા પૂર્વ ધારાસભ્યની જિંદગી દેખાડીશું, જેઓ ગરીબો કરતાં પણ બદતર હાલતમાં જીવે છે. કમનસીબી તો એ છે કે જે ધારાસભ્ય એક સમયે પોતાની પ્રજાની સુખાકારી માટે લડતો હતો તેમને આજના નેતાઓ તો ઠીક, મતદારો પણ ભૂલી ગયા છે અને તેમનું જીવન બદતર બની ગયું છે.

પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડ
પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડ

એક સમયે વાગતો હતો ડંકો
જેઠાભાઈ રાઠોડને આજના સમયમાં ભાગ્યે જ કોઈ ઓળખતું હશે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે કોંગ્રેસનો જ્યારે ડંકો વાગતો હતો એ સમયે તેમણે વિધાનસભા ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષ તરફી ઊભા રહીને કોંગ્રેસના ધુંરધર ઉમેદવાર એમ એસ ડાભીને 9,392 મતની લીડથી હરાવ્યા હતા. જોકે બીજા નેતાની જેમ તેમણે 'ભેગું' કરવાના બદલે સમાજસેવા પર વધુ ધ્યાન આપ્યું હતું. આવાસયોજનાથી વંચિત ગરીબી રેખા નીચે આવતા હોવા છતાં આ ગરીબ ધારાસભ્યોને આજ સુધી ઇન્દિરા આવાસયોજના કે સરદાર પટેલ આવાસયોજનાનો લાભ મળ્યો નથી.

એસટી બસનો જ કરતા ઉપયોગ
ગુજરાત વિધાનસભામાં 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા જેઠાભાઇ રાઠોડ હાલમાં સમગ્ર ગુજરાતના એકમાત્ર બીપીએલ રેશનકાર્ડ ધરાવનારા ધારાસભ્ય બની રહ્યા છે. એ સમયે જેઠાભાઇ રાઠોડે સાઇકલ પ્રવાસ કરી પ્રચાર કરવા જતા હતા તેમજ ગાંધીનગર જવું હોય તો એસટી બસનો ઉપયોગ કરતા હતા. જેઠાભાઈ રાઠોડે ઘણાં પ્રજાલક્ષી કાર્યો કર્યા હતા. તેમણે દુષ્કાળના સમયે તળાવ તેમજ રસ્તાનાં કામને પ્રાધાન્ય આપ્યું હતું અને 30 જેટલા તળાવ બનાવ્યા હતા, જેને લોકો આજે પણ યાદ રાખે છે.

પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડ
પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડ

પુત્રો દારૂણ સ્થિતિમાં જીવી રહ્યા છે જીવન
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ટેબડા ગામ પરિવાર સાથે રહેતા જેઠાભાઈ રાઠોડ વારસામાં મળેલા ઝૂંપડા જેવા ઘરમાં રહે છે. તેમના પાંચ દીકરા અને પુત્રવધૂઓ મજૂરી અને ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. જેઠાભાઈ રાઠોડે ચાર દીકરીને માંડ માંડ સાસરિયે વળાવી છે. આજે પાંચેય દીકરાઓનાં ઘરે પણ છોકરાઓ છે. બધા લોકો તેમને દારુણ સ્થિતિમાં જોઈ રહ્યા છે. સાંજ પડે અને કામ મળે તો ઘરમાં બે ટંકનુ ભોજન બને તો ભગવાવનો આભાર માને છે.

પુત્રે કહ્યું- પિતા પર અમને ગર્વ છે
જેઠાભાઇના બીજા નંબરના પુત્ર રમેશભાઈ રાઠોડે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પિતાએ તેમની જિંદગીમાં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું કે કોઈનો એક રૂપિયો નથી ખાધો તેમજ ભગવાનના ડરથી કામો કર્યા હતા. એને કારણે જ આજે 82 વર્ષની ઉંમર તેઓ અડીખમ ઊભા છે, જેનું અમને ગૌરવ છે. તેઓ સાત ધોરણ (એ વખતનું એસએસસી) સુધી ભણેલા હતા તેમજ સેવાભાવી સ્વભાવને કારણે લોકોમાં નામના મેળવી હતી. એ વખતે કોઈ આદિવાસીઓ પાસે સ્કૂટર નહોતું. મારા પિતા મારા ગામથી ખેડબ્રહ્મા સુધી કાચા રસ્તા પર સ્કૂટર ચલાવી જતા અને ત્યાંથી ગાંધીનગર બસમાં જતા હતા .

પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડ
પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડ

પરિવાર ખેતી અને મજૂરી કરી ચલાવે છે ગુજરાન
રમેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે પિતા જેઠાભાઇની આજદિવસ સુધી કોઈ રાજકારણી મુલાકાત લેવા આવ્યા નથી તેમજ તેમની સાથેના કોઈ નેતા હાલ હયાત નથી. પેન્શન અંગે તેમણે જણાવ્યું હતું કે રજૂઆત બાદ કહેવામાં આવ્યું હતું કે પેન્શન આપીશું, પણ આજ દિવસ સુધી હજી મળ્યું નથી. પિતા હાલ ઘરે આરામ કરે છે અને 50 મીટર સુધી ગામમાં હરેફરે છે. પરિવારમાં અમે પાંચ ભાઈ અને ચાર બહેન છે. બહેનોનાં લગ્ન થઈ ચૂક્યાં છે. પાંચેય ભાઈને કુલ સંતાનમાં 8 બાળકો છે. તમામ ભાઈઓ ખેતમજૂરી કરીએ છીએ. બધા ભાઈઓ પાસે દોઢ વીઘો સુધીની જમીન છે, જેમાં ચોમાસું અને શિયાળુ પાક લેવાય છે.

હજી પેન્શન મળ્યું નથી
ગુજરાત સહિત દેશના તમામ ધારાસભ્યો માટે જેઠાભાઇ રાઠોડનું જીવન નૈતિકતા અને પ્રામાણિકતાનું જીવતુંજાગતું ઉદાહરણ છે. તેમણે પોતાની જિંદગીમાં એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી. તેમણે પોતાનું આખું જીવન લોકોની સુખાકારીમાં પસાર કર્યું છે. સમગ્ર વિધાનસભામાં સાઇકલ પર પ્રવાસ કરી લોકોનાં સુખદુઃખમાં ભાગીદાર બનનાર આ ધારાસભ્યની આટલાં વર્ષો પછી પણ સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી નથી. આ ધારાસભ્યને આટલાં વર્ષો પછી પણ સહાયની વાત તો જવા દો, પેન્શન પણ નથી મળ્યું. પૂર્વ ધારાસભ્યો માટે વિશેષ આયોગ બન્યા બાદ પણ તેમને ન્યાય મળ્યો નથી. તેમણે જે-તે સમયે અદાલતમાં ન્યાય મેળવવાની ગુહાર લગાવી હતી અને એમાં તેમના પક્ષે નિર્ણય આવ્યો હોવા છતાં આજદિન સુધી પેન્શન મળી શક્યું નથી.

ખેડાબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડની જેમ અન્ય એક પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકનું જીવન પણ તમને વિચારતા કરી દે તેવું છે.

ચાર-ચાર ટર્મ સુધી ચૂંટાયેલા ધારાસભ્ય હાલ જાતે કપડા ધોવે છે
બાયડ બેઠક પર એક વખત અપક્ષ અને ત્રણ વખત કોંગ્રેસમાંથી ચૂંટાયેલા રામસિંહ સોલંકી આજે છેવાડાના ગામમાં ખેતરમાં બનાવેલા એક મકાનમાં પોતાનું જીવનનિર્વાહ કરે છે. તેઓ પોતાનાં તમામ કામ જાતે જ કરે છે અને આજે સત્તા નથી તેમ છતાં ST બસમાં મુસાફરી કરી એક ગામથી બીજા ગામ પગે ચાલીને લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટે જાય છે.

પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકી
પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકી

ખેતરમાં સમાન્યમાં મકાનમાં વિતાવે છે જીવન
રામસિંહને બે દીકરા અને એક દીકરી છે. બંને દીકરા પણ ખેતીવાડીના વ્યવસાયમાં જોતરાયેલા છે. પોતે ગામથી 2 કિલોમીટર દૂર ખેતરમાં બનાવેલા એક સામાન્ય મકાનમાં રહે છે. દરરોજ ખેતરેથી બે કિલોમીટર દૂર બોરડી ગામે આવેલા શિવ મંદિરે પગે ચાલીને સેવા કરવા જાય છે. શિવજીને ચડાવવા માટેનું જળ પણ પોતે જ હેન્ડ પમ્પથી ભરી લાવી ભગવાનને જળાભિષેક કરે છે અને તમામ જીવોના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. ત્યાર બાદ ઘરે આવ્યા પછી જ ચા-પાણી કરે છે. પોતાનાં વસ્ત્રો પણ જાતે જ ધોવે છે.

ભગવાનનો ડર રાખીને જીવન જીવું છું
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રામસિંહ સોંલકીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય તરીકે મેં જે કામ કર્યું એ માનવતાની દષ્ટિએ કર્યું છે. મેં ક્યારેય પણ કોઈ દિવસે કોઈ જોડે આશા કે અપેક્ષા રાખી નથી. ભલે તે વ્યક્તિ મને મતદાનમાં મદદ કરે કે ના કરે, મારી જોડે કોઈ વ્યક્તિ કામ લઈને આવે એટલે હું એ યાદ ના કરાવું કે તું મારી જોડે હતો કે નહીં. અત્યારના ધારાસભ્ય જોડે કોઈ કામ લઈને તમે જાઓ તો તમને પૂછવામાં આવે કે તમે કયા પક્ષના છો, તમે ક્યાંથી આવો છો, તમે મને મતદાનમાં મદદ કરી હતી કે નહીં. જ્યારે મેં કોઈપણ વ્યક્તિ જોડેથી પાણી પીવાની પણ આશા રાખ્યા વિના એકોએક પરિવારના લોકોનાં કામ કરવામાં મદદ કરી હતી. હું પ્રામાણિકપણે અને ભગવાનનો ડર રાખીને જીવન જીવું છું. ભગવાન મને જેટલું આયુષ્ય આપે એમાં હું એકોએક પરિવારના, એકોએક સમાજના, એકોએક વિચારની કોઈપણ વ્યક્તિની જોડે ભેદભાવ રાખ્યો નથી અને રાખવાનો પણ નથી.

પૂર્વ ધારાસભ્ય વિરસિંહ મોહનિયા
પૂર્વ ધારાસભ્ય વિરસિંહ મોહનિયા

નળિયાના મકાનમાં રહે છે પૂર્વ ધારાસભ્ય
લીમખેડાના પૂર્વ ધારાસભ્ય વિરસિંહ ગંગજી મોહનિયા હાલ ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહ્યાં છે. લીમખેડા બેઠક ઉપર 1972થી 1980 સુધી બે વખત ધારાસભ્યપદે રહી ચૂકેલા વિરસિંહ મોહનિયા ખીરખાઇ ગામમાં નળિયાના મકાનમાં રહે છે. તેમના સંતાનમાં ત્રણ પુત્રો અને છ પુત્રીઓ છે. જેઓ અલગ અલગ રહે છે. પૂર્વજોની જમીન રેલ્વે લાઇનમાં દબાણમાં જતી રહ્યા બાદ વિરસિંહભાઇ ભાગે સિંચાઇની સગવડ વગરની ત્રણ એકર જમીન આવી છે. વિરસિંહ ગરીબી રેખા નીચે આવતા હોવા છતા આ ગરીબ ધારાસભ્યને આજ સુધી ઇંન્દિરા આવાસ યોજના કે સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...