ભાસ્કર વિશેષ:ભાજપ માટે 2012માં અન્ય ઉમેદવારોએ ખેલ બગાડ્યો, 2017માં નોટા અને અન્ય ઉમેદવારોએ પરિણામ બદલ્યુ

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીતનું માર્જિન નોટા અન્ય ઉમેદવારોએ મેળવેલા મત થી ઘણું ઓછું

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠકના મતદાનનો ઝીણવટભર્યો અભ્યાસ કરતા રોચક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.નોટાના અવતરણ પહેલા વર્ષ 2012માં બે મુખ્ય રાજકીય પક્ષો સિવાય અન્ય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારને મળેલ મતની સંખ્યા એટલી હતી કે ભાજપનો ખેલ બગડ્યો હતો અને ચારમાંથી ત્રણ બેઠકો ગુમાવી હતી. આનાથી ઊલટું 2017માં નોટાની સુવિધા ઉપલબ્ધ થતા નોટા મત અને અન્ય ઉમેદવારોને મળેલ મતના સરવાળાએ ચૂંટણી પરિણામોનું ચિત્ર પલટાવી દેતા ચારમાંથી ત્રણ બેઠકો ભાજપને ફાળે આવી હતી.

ઈડર બેઠક પર અઢી દાયકાથી ભાજપનો દબદબો છે જ્યારે હિંમતનગર બેઠક ચાર ચૂંટણીમાં એક વખત કોંગ્રેસને ફાળે આવી હતી પ્રાંતિજ બેઠક પર દર ચૂંટણીમાં પરિણામ પલટાતું રહ્યું છે. જ્યારે ખેડબ્રહ્મા બેઠક દોઢ દાયકા અગાઉ પેટા ચૂંટણીના પરિણામને બાદ કરતા કોંગ્રેસનું એકહથ્થુ શાસન રહ્યું છે. પાછલી બે ચૂંટણીના આંકડા જોઈએ તો વર્ષ 2012માં હિંમતનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની 12,356 મતથી જીત થઈ હતી. જેમાં અપક્ષ મળી કુલ 16 ઉમેદવારોને 16938 મત મળ્યા હતા જીતના માર્જિનથી આ આંકડો ઘણો ઊંચો રહ્યો હતો.

તેવી જ રીતે વર્ષ 2017માં નોટા 5,236 મત અને અન્ય નવ ઉમેદવારોને 7,379 મત મળતા ભાજપના ઉમેદવારની 1712 મતથી જીત થઈ હતી. ઇડર બેઠક પર વર્ષ 2012માં ભાજપની જીતનું માર્જિન 11,380 મત હતું. પરંતુ તેની સામે અન્ય પાંચ ઉમેદવારોને 13664 મત મળ્યા હતા જ્યારે વર્ષ 2017માં ભાજપની 14,813 મતથી જીત થઈ હતી જેમાં નોટા 4,892 મત અને અન્ય આઠ ઉમેદવારોને 9,150 મત મળ્યા હતા પ્રાંતિજ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના ઉમેદવારની 7,014 મતથી જીત થઈ હતી જેમાં 13,861 મત અન્ય આઠ ઉમેદવારને મળ્યા હતા

વર્ષ 2017માં ભાજપના ઉમેદવારનું જીતનું માર્જિન 2551 મતનું હતું તેની સામે નોટામાં 2907 અને અન્ય આઠ ઉમેદવારોને 9,813 મત મળ્યા હતા તેવી જ રીતે ખેડબ્રહ્મા બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસની જીત નું માર્જિન 50,137 રહ્યું હતું અને અન્ય આઠ ઉમેદવારોને પણ 22256 જેટલા મત મળ્યા હતા જયારે 2017માં કોંગ્રેસની જીતનું માર્જિન ઘટીને 11,131 થઈ ગયું હતું. જેમાં નોટા મત 5074 અને અન્ય પાંચ ઉમેદવારોને 13628 મત મળ્યા હતા આંકડા બતાવી રહ્યા છે કે નોટા અને અન્ય મતની સંખ્યા એ રાજકીય પાર્ટીઓને પરેશાન કરી મૂકી છે ત્યારે વધુ એક પાર્ટીએ પુરા દમ ખમથી તમામ ચાર બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે ત્યારે ઉમેદવાર વધવાના સમીકરણ કોને ફળે છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે

અન્ય સમાચારો પણ છે...