સાબરકાંઠા હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે પ્રાંતિજના એમ.સી દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના યજમાન પદે હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીની આનર્ત-33 એથ્લેટીક એથ્લોન સ્પર્ધા 10થી 13 ડીસેમ્બર 2022 દરમિયાન યોજાઇ હતી. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની પાંચ દિકરીઓએ વિવિધ રમતોમાં ખુબ જ સારુ પ્રદર્શન કરી સાબરકાંઠાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે 27 ખેલાડીઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આગામી જાન્યુઆરીમાં ઓલ ઇન્ડિયા નેશનલ એથ્લેટિકમાં પ્રતિનિધિત્વ કરશે.
આ ચાર દિવસીય સ્પર્ધામાં 97 કોલેજના 1021થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દોડ, લાંબી કુદ, હડલ દોડ, રીલે દોડ જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી. આ સ્પર્ધાઓમાં નિર્મા અસારીએ લાંબી કુદમાં 5.79 મીટરની છલાંગ લગાવી પોતાનો જ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવી પ્રથમ સ્થાન હાંસલ કરવાની સાથે 4x100 મીટર રીલે દોડમાં પણ સારુ પ્રદર્શન કરી બેસ્ટ એથ્લેટ ગર્લનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
જાડા રીંકલે 1500 મીટર દોડ 5.02 મિનિટ, 2000 મીટર 7.21 મિનિટ અને 5000 મીટર દોડ 19.03 મિનિટમાં પૂર્ણ કરી સાથે 4x100 રીલે દોડમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ડાકી પ્રિયલે 400 મીટર હડલ દોડ 1.13 મિનિટમાં પૂર્ણ કરી, જ્યારે રબારી સતીએ 800 મીટરની દોડ 2.34 મીનિટમાં પૂર્ણ કરી હતી અને માહી રાજપૂતે 100 મીટર દોડમાં ખુબ સારૂ પ્રદર્શન કરી મેડ્લ મેળવ્યા હતા. સતી, રિંકલ, પ્રિયલ, માહિએ 4x400 રીલે દોડ 4.44 મિનિટમાં પૂર્ણ કરી હતી. આ પાંચ દીકરીઓએ યુનિવર્સિટીના જુના 9 રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો હતો. આ પાંચેય દીકરીઓને અને તેમના કોચને વહિવટી તંત્ર અને મહિલા કોલેજ દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ અંગે આનર્ત-33 એથ્લેટિક એથ્લોનના સ્પર્ધામંત્રી ડૉ. મેહુલ પટેલે જણાવ્યું હતું કે, ચાર દિવસમાં દોડ, કુદ, ગોળા ફેંકમાં 44 વિભાગમાં રમતો રમાઈ હતી. જેમાં પાચ જિલ્લાની 95 કોલેજના 1021 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને વિવિધ કોલેજના વિધાર્થીઓએ પોતાની કોલેજનું નામ રોશન કર્યું છે. ઓલ ઇન્ડિયા એથ્લેટિક સ્પર્ધા આગામી 23 જાન્યુઆરી 2023માં મેંગલોરના રાજીવ ગાંધી યુનિવર્સીટી ખાતે યોજાવવાની છે. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના 27 ખેલાડીઓ પ્રતિનિધિત્વ કરશે. જેમાં નવ બહેનોનો સમાવેશ થયો છે. જેમાં 5 બહેનો હિંમતનગરની એસ.બી. મહિલા કોલેજની છે. ઉપરાંત બાકીના વિવિધ કોલેજના ખેલાડીઓનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.